ભાવનગરમાં બાગાયતી ખેડૂતોને કેળના પાકમાં પારાવાર નુકસાની, ₹600 વેચાતા કેળાના માત્ર ₹60 થી ₹100 ભાવ મળતા સ્થિતિ કફોડી
ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, જેસર, ગારીયાધાર સહિતના તાલુકાના ખેડૂતોએ કેળનું વાવેતર તો કર્યુ પરંતુ હાલ પુરતા પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળી રહ્યો નથી. ₹400 થી ₹600 રૂપિયે મણ વેચાતા કેળાના માત્ર 60 થી 100 રૂપિયા મળતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્ર સહિત ભાવનગર જિલ્લામાં બાગાયતી પાકમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખાસ કરીને ખેડૂતોએ બાગાયતી પાકમાં કેળાનું વાવેતર કર્યું છે. તેમાં ખેડૂતોને ₹400 એક મણ વહેંચાય તો પણ પરવડે તેમ નથી તેવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોને એક મણના ભાવ માત્ર 60 રૂપિયાથી લઈને 100 રૂપિયા જ મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન કેળના વાવેતરમાં થઈ રહ્યું છે.
₹600 મણ વેચાતા કેળાના માત્ર 60 થી 100 રૂપિયા ભાવ
ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ 1300 હેક્ટરની અંદર કેળાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને જેસર, તળાજા, મહુવા, ગારીયાધાર સહિત નદીકાંઠાના ગામડાઓમાં કેળનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી બની છે કે કેળના વાવેતરમાં ખેડૂતોને માત્ર બરબાદી સિવાય બીજું કાંઈ હાથ લાગ્યું નથી, જેના કારણે ખેડૂતો ની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે રાત દિવસ પોતાના સપનાનું વાવેતર કરીને ખેડૂતને બે પૈસા મળવાની આશા બંધાઈ હોય છે. પરંતુ ખેડૂતોના કેળા ખરાબ થઈ રહ્યા છે અને વેચી શકાય તેવી પણ પરિસ્થિતિ નથી.
ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ ન મળતા પારાવાર ખોટ
સૌથી મહત્વની વાત તો એ છે કે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી જ્યારે ખુલ્લા બજારમાં ડઝનના 60 રૂપિયા જેવો ભાવ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે ત્યારે આવી પરિસ્થિતિ માં ફરી એક વખત સરકાર સામે ખેડૂતની મીટ મંડાઇ છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar