ગુજરાત વિધાનસભા ચૂંટણી: વડોદરાની પાદરા બેઠક પરથી દિનેશ પટેલે જંગી રેલી બાદ નોંધાવી અપક્ષ ઉમેદવારી
Gujarat Election 2022: વડોદરાની પાદરા વિધાનસભા બેઠક પરથી ભાજપે આ વખતે દિનેશ પટેલને ટિકિટ ન આપતા તેમણે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જંગી રેલી અને સભા બાદ તેમણે મામલતદાર કચેરીએ જઈ તેમનું નામાંકન ફોર્મ ભર્યુ હતુ.
વડોદરાની પાદરા બેઠક પરથી દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પાદરાના મામા પાર્ટી પ્લોટ ખાતેથી વિશાળ રેલી યોજી દિનેશ પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યુ . દિનેશ પટેલની સાથે તેમના પુત્ર દક્ષેશ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. દિનેશ પટેલ અગાઉ બે ટર્મ સુધી પાદરાના ધારાસભ્ય રહી ચુક્યા છે. હાલ તેઓ બરોડા ડેરીના ચેરમેન પણ છે. ફોર્મ ભર્યા બાદ દિનેશ પટેલે સ્પષ્ટતા કરી કે મારા ડમીમાં ગણો કે કદાચ મારુ ફોર્મ કેન્સલ થાય તો મારા દીકરાની ઉમેદવારી નોંધાવી છે. દિનેશ પટેલે જણાવ્યુ કે તેમના દીકરા દક્ષેશને રાજકારણનો ર પણ ખબર નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી: પાદરા તાલુુકાના મતદારો પર વિશ્વાસ છે- દિનેશ પટેલ
ફોર્મ ભર્યા બાદ TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે મને તાલુકાના મતદારો પર વિશ્વાસ છે. તેમણે જણાવ્યુ કે ગત ચૂંટણીમાં જે લોકોએ બદમાશી કરી હતી, પાર્ટીમાં જ રહીને મને હરાવવાના પ્રયત્નો કર્યા હતા, તેના પાદરા તાલુકાના મતદારો સાક્ષી છે. દિનેશ પટેલે જણાવ્યુ કે હારી ગયા બાદ પણ તેમણે પાદરા તાલુકાનો વિશ્વાસ તોડ્યો નથી. પ્રજાની વચ્ચે રહ્યો છુ. સાથોસાથ લોકસેવક તરીકે દરેક જ્ઞાતિમાં બનતી તમામ મદદ પહોંચાડી છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે એ બધાના કહેવાથી જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. દિનેશ પટેલે આક્ષેપ કર્યો કે ગયા વખતે કેટલાક પાર્ટીના જ તત્વોએ ગેરમાર્ગે દોરીને કોંગ્રેસના ધારાસભ્ય જસપાલસિંહને જીત અપાવવામાં મદદગારી કરી હતી, એના કારણે જ તેમના મત તૂટ્યા અને તેઓ જીતી શક્યા ન હતા.