Gujarat Assembly Election 2022: OBC વોટ બેંક સાચવવા ભાજપ-કોંગ્રેસ મેદાને, બંને પક્ષના પ્રતિનિધિઓએ OBC કમિશન સમક્ષ કરી રજૂઆત
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા OBC વોટબેંક અંકે કરવા ભાજપ કોંગ્રેસ બંનેએ કમર કસી છે અને ઓબીસી કમિશન સમક્ષ બંને પાર્ટીઓના પ્રતિનિધિઓનું ડેલિગેશન પહોંચ્યુ હતુ અને પોતપોતાની રજૂઆત કરી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી(Assembly Election) પહેલા OBC વોટ બેંક સાચવવા રાજકીય પક્ષોમાં હોડ જામી છે. OBC મતો અંકે કરવા ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીઓ મેદાને ઉતરી છે. આ અંતર્ગત ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીઓના પદાધિકારીઓએ OBC કમિશન(OBC Commission) સમક્ષ રજૂઆત કરી હતી. OBC કમિશનને મળ્યા બાદ ભાજપ કોંગ્રેસે અનામત મુદ્દે ફરી એકબીજાના સામે આક્ષેપબાજી કરી હતી. રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલની આગેવાની ભાજપના નેતાઓએ OBC કમિશન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ભાજપ (BJP)ના નેતા ભરત ડાંગરે જણાવ્યુ કે OBCને વધુને વધુ અનામતનો લાભ મળે તે માટે ભાજપ ડેલિગેશને આયોગ સમક્ષ રજૂઆત કરી છે.
આ તરફ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ આયોગને રજૂઆત કરવા પહોંચ્યુ હતુ. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના આગેવાનોએ OBC કમિશન સમક્ષ રજૂઆતો કરી હતી. આ સાથે તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર દ્વારા ખોટા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. આ પહેલા ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી કરવામાં આવે અને તેના આધારે અનામત નક્કી કરવામાં આવે.
શુું કહ્યું જગદીશ ઠાકોરે?
આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ કે જ્યાં સુધી OBC અનામતની જેટલી જ્ઞાતિઓ છે તે બધી જ જ્ઞાતિઓની વસ્તી ગણતરી ન થાય, તેમજ વસ્તી ગણતરી થયા પછી 52 % OBCની વસ્તી થતી હોય તો આજે 10% પંચાયતોમાં અનામત આપી છે તેની 27% અનામત મળવી જોઈએ.