ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આપની કવાયત, ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી 9 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP)એ ચૂંટણીની કવાયત શરૂ કરી દીધી છે. આપ પાર્ટીએ તેના મિશન ગુજરાત (Mission Gujarat) માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ યાદી જાહેર કરી છે. જેમાં રાજ્યની 9 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.જેમા અમદાવાદ(Ahmedabad)ની અસારવા બેઠક પરથી જે.જે. મેવાડાને ટિકિટ અપાઈ છે તો રાજુ કરપડાને ચોટિલા બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે. વિપુલ સખીયાને ધોરાજીથી ટિકિટ અપાઈ છે જો પિયુષ પરમારને જૂનાગઢના માંગરોળથી ટિકિટ અપાઈ છે. કરશન કરમુર જે જામનગરના પૂર્વ મેયર રહી ચુક્યા છે તેમને જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ અપાઈ છે. આ તરફ પ્રકાશ કોન્ટ્રાક્ટરને સુરત ચોર્યાસી બેઠક પરથી ટિકિટ અપાઈ છે. તો નિમિષાબેન ખૂંટને ગોંડલ બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે. આ તરફ વિક્રમ સૈરાણીને વાંકાનેરથી ઉમેદવાર બનાવાયા છે તો ભરતભાઈ વાખલા દેવગઢ બારિયાથી ટિકિટ આપવામાં આવી છે.
આપના 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર
જે. જે મેવાડા- અસારવા, અમદાવાદ રાજુ કરપડા- ચોટિલા વિપુલ સખીયા- ધોરાજી પિયુષ પરમાર- માંગરોળ, જૂનાગઢ કરશન કરમુર- જામનગર ઉત્તર પ્રકાશ કોન્ટ્રાક્ટર- સુરત ચોર્યાસી નિમિષાબેન ખૂંટ- ગોંડલ વિક્રમ સૈરાણી- વાંકાનેર ભરતભાઈ વાખલા- દેવગઢ બારિયા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ગુજરાત મિશન 2022ની શરૂઆત કરી દીધી છે અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જેને પગલે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો પણ વધી છે. જો કે ગુજરાતમાં હજુ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત નથી થઈ એ પહેલા આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે અને ભાજપ-કોંગ્રેસની પહેલા ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. આ સાથે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવી એક બાદ એક ગેરંટી સ્કીમ થકી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આપે કુલ 19 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
આપને જણાવી દઈએ કે તેની પ્રથમ યાદીમાં આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમા સૌરાષ્ટ્રની 4, ઉત્તર ગુજરાતની 3, મધ્ય ગુજરાતની 2 અને દક્ષિણ ગુજરાતમાંથી 1 ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે આજે 9 ઉમેદવારો મળીને આપે અત્યાર સુધીમાં 19 ઉમેદવારોની જાહેરાત કરી છે.
ઈનપુટ ક્રેડિટ- સચિન પાટિલ- અમદાવાદ