જામનગર લાલપુર બાયપાસ નજીક રંગમતિ નદી પર એક પુલ બનાવવાનું કામ કરવામાં આવ્યું. આ પુલ સરકારી વિભાગ કે સંસ્થા નહીં બનાવતી હોવાની શંકાના આધારે એક જાગૃત નાગરિકે તપાસ કરી તો સામે આવ્યું કે બિલ્ડરો તરફથી આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે એવું હોય કે જ્યારે પણ પુલ બનાવવમાં આવતો હોય તો તેના માટે અમુક સરકારી વિભાગોની મંજૂરી લેવી પડે છે. સાથે જ બાંધકામ અંગે સ્થળ ખાતે અમુક સૂચનાઓ પણ મારવામાં આવે છે. પરંતુ આવું કંઈ પણ ધ્યાને નહીં આવતા જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશનરનું ધ્યાન દોર્યું છે.
આ તરફ મહાનગરપાલિકાના કમિશનરનું કહેવું છે કે સરકારની મંજૂરી વિના જ બની રહેલા પુલનું કામ હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. સાથે જ ટેક્નીકલ ચકાસણી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વાત પણ અધિકારીએ કરી.
આ સમગ્ર મુદ્દે જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા છે કે કમિશનર તરફથી ફક્ત મૌખિક જાણકારી આપીને કામ બંધ કરાવવામાં આવ્યું છે. સાથે જ આક્ષેપ થઈ રહ્યા છે કે અધિકારીઓ અને આગેવાનો બિલ્ડરોને છાવરી રહ્યા છે. જેથી કમિશનર કોઈ કાર્યવાહી નહીં કરે તો આ અંગે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી પણ જાગૃત નાગરિકે દર્શાવી છે.
અહીં સવાલ એ છે કે સામાન્ય દબાણ હટાવવાનું હોય તો પણ તંત્ર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવતી હોય તો પુલ જેવા મોટા બાંધકામ માટે તંત્ર તરફથી શા માટે કોઈ પગલા લેવામાં નથી આવતા.