વર્ષા ઋતુમાં ડાંગના ગિરમાળ ધોધનું સૌદર્ય બન્યુ આકર્ષણનું કેન્દ્ર, લીલીછમ વનરાઈથી ઘેરાયેલા ધોધનો અદ્દભૂત નજારો-જુઓ Video
કુદરતી સૌદર્યના ખજાના સમા ગુજરાતના ડાંગ જિલ્લાની મુલાકાત લેવા માટેનો આ એકદમ શ્રેષ્ઠ સમય છે. વર્ષા ઋતુમાં અહીંના સૌદર્યને ચાર ચાંદ લાગી જાય છે. પ્રકૃતિ પ્રેમીઓ તો ખાસ અહીં આવવા માટે ચોમાસાની આતુરતાથી રાહ જોતા હોય છે.
ગુજરાતનો ડાંગ એક એવો જિલ્લો છે જે જ્યાં કુદરતી સૌદર્ય ઈશ્વરે મન મુકીને વેર્યુ છે. ચોમાસાની ઋતુમાં અહીં આવીને પ્રકૃતિને માણવી તે ખરા અર્થમાં એક અદ્દભૂત લ્હાવો છે. ચારે બાજુ હરિયાળી અને વનરાજી તેમજ પહાડો પરથી વહેતા ઝરણાને જોવા માટે તમારે ક્યાંય ગુજરાત બહાર જવાની જરૂર નથી. ચોમાસાની ઋતુમાં ડુંગરા પરથી વહેતા ધોધ સહેલાણીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
હાલ ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીંના કુદરતી સૌદર્યને માણવા માટે પ્રકૃતિ પ્રેમીઓ ખાસ ચોમાસાની આતુરતાથી રાહ જોતા હોય છે. કુદરતી સૌદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાનો ગિરમાળ ધોધ હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચારેબાજુ લીલીછમ વનરાજીથી ઘેરાયેલા ગીરામળ ધોધનો નજારો માણવો એ એક અદ્દભૂત અનુભૂતિ છે.
ગીરા નદી પર અંદાજે 100 મીટરની ઉંચાઈએથી પડતા આ ગીરમાળ ધોધને જોનારા તમામ પ્રવાસીઓ માટે આ એક જીવનભરનું યાદગાર સંભારણુ બની જાય છે. દર ચોમાસામાં આ ધોધને માણવા, નિહાળવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ ધોધને નિહાળ્યા બાદની આનંદની અનુભૂતિ દરેક પ્રવાસીના ચહેરા પર તાદૃશ્ય જીલાતી જોવા મળે છે. ખાસ તો અહીંના કુદરતી સૌદર્યને માણવા માટે જ પ્રવાસીઓ દૂર દૂરથી અહી આવે છે અને દરેક સહેલાણી અહીંની સુંદરતાને તેમના આંખોરૂપી કેમેરામાં કેદ કરી લે છે અને એક પરમ તત્વની અનુભૂતિ કરે છે.