Gujarati Video : સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મંદિરના બે ટ્રસ્ટી વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, મંદિરમાં સોનું તેમજ રોકડ રકમની ઉચાપત થયાનો આક્ષેપ
Gandhinagar News : અંદાજે 45 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાતા બંને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 409, 114 મુજબનો ગુનો નોંધાયો છે. હાલ સમગ્ર મામલે ગાંધીનગર LCBના PI દિવાનસિંહ વાળાને તપાસ સોંપાઈ છે.
જૈન ધર્મની આસ્થાના કેન્દ્ર સમા એવા ગાંધીનગરના માણસા સ્થિત મહુડીના સુપ્રસિદ્ધ ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં સોનું તેમજ રોકડ રકમની ઉચાપત થતાં ખળભળાટ મચ્યો છે. ઉચાપત મામલે મંદિરના જ બે ટ્રસ્ટીઓ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મંદિરના બે ટ્રસ્ટીઓ નિલેશ મહેતા અને સુનિલ મહેતાએ 700 થી 800 ગ્રામ સોનાના વરખ અને ભંડારામાંથી રોકડ રકમની ઉચાપત કરી હોવાનો આક્ષેપ થયો છે.
મહુડીના સુપ્રસિદ્ધ ઘંટાકર્ણ મહાવીર મંદિરના ભંડારાના સૂચિપત્રની તપાસ કરતા સોનાના વરખ અને રોકડની ઉચાપત થઇ હોવાનું સામે આવ્યું છે. અંદાજે 45 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાતા બંને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 409, 114 મુજબનો ગુનો નોંધાયો છે.હાલ સમગ્ર મામલે ગાંધીનગર LCBના PI દિવાનસિંહ વાળાને તપાસ સોંપાઈ છે.
મહુડી ઘંટાકર્ણ વીર ભગવાનના મંદીરમાં આવેલા ભંડારામાં ભકતો દ્વારા જે ચડાવો ચઢાવવામાં આવે છે, તે ભંડારો ટ્રસ્ટીઓની હાજરીમાં દર બે-ત્રણ મહિને ખોલવામાં આવે છે. ભંડારામાંથી નીકળતા રોકડા રૂપીયા તથા સોનાના દાગીનાની ગણતરી કરી તેની ભંડાર પત્રકમાં એન્ટ્રી કરી માહિતી રાખવામાં આવે છે.
ધનતેરસના દિવસે ઉતારાય છે સોનાનો વરખ
દર વર્ષે દિવાળી પર્વ પર ધનતેરસના દિવસે ઘંટાકર્ણ મહાવીર દેવનો સંપૂર્ણ વર્ષનો સોનાનો વરખનો ઉતારો ઉતારવામાં આવે છે. તે મુજબ ડિસેમ્બર-2022માં ટ્રસ્ટીઓએ સોનાના વરખનો ઉતારો ઉતારી એક ડોલમાં રાખી તે ડોલ તિજોરીમાં મૂકી હતી. જે બાદ સોનાનો વરખ ભરેલી ડોલ ટ્રસ્ટીઓએ એક વખત ગળાવવા માટે બહાર કાઢી હતી, પરંતુ તે દિવસે સોનું ગળાવવાનું શક્ય ન બનતા તે ડોલ ટ્રસ્ટીઓની હાજરીમાં પાછળ જાળીમાં મુકી તાળું મારવામાં આવ્યું હતું. બાદમાં 15 ફેબ્રુઆરીના રોજ ટ્રસ્ટીઓની હાજરીમાં સોનાનો વરખ ગળાવવા આવતાં 700 થી 800 ગ્રામ સોનું ઓછું ઉતર્યું હતું.
તપાસમાં થયો મોટો ખુલાસો
તપાસમાં સામે આવ્યું કે ટ્રસ્ટીઓ નિલેશ મહેતા અને સુનિલ મહેતાએ સોનાના વરખ ભરેલી ડોલ અને બીજી સોના-ચાંદીની લગડીઓ બહાર કાઢી હતી. સીસીટીવી ફૂટેજમાં પણ નિલેશ મહેતાની હિલચાલ શંકાસ્પદ જણાતા આખરે ઉચાપત મામલે ફરિયાદ દાખલ કરાઇ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…