Gujarati Video: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભાજપ પર રાજકીય કિન્નાખોરી રાખી એજન્સીનો દુરુપયોગ કરવાનો લગાવ્યો આરોપ, રઘુ શર્માએ કહ્યું લોકસભામાં રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો થયો પ્રયાસ
Surat: મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતમાં હતા ત્યારે જગદીશ ઠાકોર અને રઘુ શર્મા પણ સુરત પહોંચ્યા હતા. તેમણે TV9 સાથેની વાતચીતમાં સરકાર પર રાજકીય કિન્નાખોરી રાખવાનો આરોપ લગાવ્યો. જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસને રોડ પર આવવાની મંજૂરી આપવામાં આવતી નથી.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ભાજપ દેશમાં ક્યાંય લીગલ કામ કરતુ નથી. ભાજપ પર તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાને દબાવવા એજન્સીનો દુરુપયોગ કરે છે. રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ એક થઈને ઉભી છે. દક્ષિણ ગુજરાતના 500 કોંગ્રેસ કાર્યકરોને ઘરમાં જ કેદ કરી દેવાયા છે. સુરતમાં બેઠેલા સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી આટલી તાનાશાહી કેમ કરે છે તેનો સવાલ જગદીશ ઠાકોરે કર્યો. વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે આખા સુરતના માર્ગોને નાકાબંધીમાં ફેરવી દેવાયા છે. કોંગ્રેસને રોડ પર આવવાની મંજૂરી આપવામાં આવતી નથી.
રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત આવતા કોંગ્રેસના કાર્યકરોને નજરકેદ કરાયા- રઘુ શર્મા
રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં થયેલી કાયદાકીય લડતને કોંગ્રેસ રાજકીય લડત બનાવી રહી છે. આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યુ કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ ગયુ હોય તેવી સ્થિતિ છે. રાજ્યભરમાંથી રાહુલ ગાંધીના સમર્થનમાં આવતા કોંગ્રેસના કાર્યકરોને અટકાવાઈ રહ્યા છે. દેશમાં લોકતંત્ર હોય તો ભાજપે આવી હરકતો ન કરવી જોઈએ તેમ રઘુ શર્માએ જણાવ્યુ હતુ.
વધુમાં તેમણે કહ્યું કોંગ્રેસના નેતાઓ આવી રહ્યા હોવાથી કાર્યકરો તેમની સાથે ઉભા રહેવા માગે છે. કોંગ્રેસના તમામ કાર્યકરો રાહુલ ગાંધી સાથે ઉભા રહેવા માગે છે. પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે આવી રહ્યા છે. તેમણે કહ્યું રાહુલ ગાંધી પર હાથ નાખવાનો પ્રયત્ન થયો છે. લોકસભામાં તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થયો. રાહુલ ગાંધીને લોકસભામાં ના રહેવા દેવામાં તેઓ સફળ થયા હોઈ શકે છે. પરંતુ રાહુલ ગાંધી દેશ અને દેશવાસીઓના દિલમાં તો રહેશે જ તેમ રઘુ શર્માએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.