Breaking News : અમદાવાદમાં હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને મોજશોખ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર! જુઓ Video

Breaking News : અમદાવાદમાં હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને મોજશોખ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર! જુઓ Video

| Edited By: | Updated on: Nov 27, 2026 | 1:52 PM

અમદાવાદના વસ્ત્રાલમાં પોલીસે ₹25.53 લાખના MD ડ્રગ્સ સાથે સોનલ પટેલ નામની મહિલાની ધરપકડ કરી છે. હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને મોજશોખના ખર્ચા પૂરા કરવા તે ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનો પોલીસનો દાવો છે. તપાસમાં 'ડોલર' કોડવર્ડથી ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પણ ખુલાસો થયો છે.

અમદાવાદમાં ડ્રગ્સની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન વસ્ત્રાલ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને સોનલ પટેલ નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના ઘરેથી અંદાજે ₹25.53 લાખની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું છે.

હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે ડ્રગ્સના કાળા કારોબારમાં જોડાઈ

તપાસ મુજબ, આશરે ત્રણ વર્ષ પહેલાં સિંધુ ભવન ખાતે રંગતાળી ગરબા ક્લાસના આયોજન દરમિયાન સોનલનો સંપર્ક પંકજ દરજી નામના વ્યક્તિ સાથે થયો હતો. પંકજ મારફતે તેની ઓળખ રાયપુર દરવાજા પાસે રહેતા મોહમ્મદ નામના ડ્રગ્સ સપ્લાયર સાથે થઈ હતી. ત્યારબાદ સોનલ તેની પાસેથી ₹40થી ₹50 હજારના ભાવે ડ્રગ્સ ખરીદતી અને તેને ₹1.20 લાખથી ₹1.30 લાખ સુધીના ઊંચા ભાવે વેચતી હતી.

પોલીસથી બચવા માટે આરોપી અને તેના ગ્રાહકો ડ્રગ્સ માટે ડોલર જેવા કોડવર્ડનો ઉપયોગ કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સોનલ પટેલ વસ્ત્રાલમાં કાપડનું જોબવર્ક કરતી હતી. જોકે, પોતાની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને મોજશોખના ખર્ચા પૂરા કરવા માટે તે ડ્રગ્સના કાળા કારોબારમાં જોડાઈ હતી.

દરોડા દરમિયાન આરોપીના ઘરેથી 84 મિલિગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું

વસ્ત્રાલ પોલીસના PI ભાવેશ લોઢાના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન આરોપીના ઘરેથી 84 મિલિગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. તેની અંદાજિત કિંમત ₹25.53 લાખ હોવાનું જણાવાયું છે. પોલીસે ડ્રગ્સ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ ડ્રગ્સ સપ્લાયર અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો તેમજ ગ્રાહકોની શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ફરી ઉછાળો, પણ 1 મહિના પહેલાં કરતાં હજુ ₹16,740 સસ્તું

Published on: Nov 27, 2026 01:42 PM
Follow Us
Loading...
Unable to load recommendations.