કચ્છના ક્રિકમાં વોટર લેવલ માપવાની કામગીરી દરમિયાન બોટ પલટી, 20 કલાક સુધી મોત સામે ઝઝુમ્યા 3 કર્મચારી- જુઓ Video
કચ્છના લખપત તાલુકામાં મુધાન ગામ પાસે ક્રિક વિસ્તારમાં વોટર લેવલ માપતી વખતે બોટ પલટી જતાં ત્રણ GHCL કંપનીના કર્મચારીઓ દરિયામાં ફસાયા હતા. 20 કલાક બાદ BSF દ્વારા દિલધડક ઓપરેશન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. બોટ પર કામ કરી રહેલા કર્મચારીઓ 20 કલાક સુધી મોત સામે ઝઝુમતા રહ્યા હતા.
કચ્છના લખપત તાલુકામાં મુધાન ગામ પાસે ક્રિક વિસ્તારમાં વોટર લેવલ માપવાની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. આ કામગીરી દરમિયાન બોટને જહાજે ટક્કર મારતા બોટ પલટી ગઈ હતી. બોટ ઉંધી વળી જતા તેના પર કામ કરી રહેલા ત્રણ કર્મચારી લાપતા બન્યા હતા. જેઓ દરિયામાં બોટ સાથે 20 કલાક ઝઝુમ્યા બાદ BSFએ તેમને શોધી કાઢ્યા હતા અને જીવ બચ્યો હતો. GHCL કંપનીના કર્મચારીઓ 20 કલાક સુધી મોતને મ્હાત આપતા રહ્યા હતા.
બોટ પર એન્જિનિયર કરણસિંહ જાડેજા, સર્વેયર રવિન્દ્ર અરેચીયા અને ઓપરેટર આદર્શ કુમાર વોટર લેવલ માપવાની કામગીરી કરવા માટે ગયા હતા. મોડી રાત સુધી કર્મચારીઓ પરત ન ફરતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતુ. જે બાદ GHCL કંપનીએ BSFનો સંપર્ક કરતા કલેક્ટર અને પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટના 31 તારીખે બપોરના સમયે બની હતી. બપોરના 11 વાગ્ટા આસપાસ વોટર લેવલ માપવાની કામગીરી અચાનક વોટર લેવલ વધવાથી બોટ પલટી મારી ગઈ હતી. બોટ પર ઉભેલા ત્રણેય કર્મચારીઓના મોબાઈલ પણ પાણીમાં પડી ગયા હતા. જો કે સદ્દનસીબે ત્રણેય કર્મચારીઓ ઉંધી વળી ગયેલી બોટની ઉપર બેસી ગયા હોવાથી જીવ બચી ગયો હતો. 20 કલાક સુધી ત્રણેયના જીવ પડીકે બંધાયા હતા.
આ તરફ કંપનીએ જાણ કરતા જ BSFએ તાત્કાલિક બે બોટ અને બે ડ્રોન દ્વારા શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન જામનગરથી ઍરફોર્સનું વિમાન પણ ભૂજ આવી પહોંચ્યુ હતુ. સદ્દનસીબે 20 કલાકની જહેમતને અંતે કંપનીના ત્રણ કર્મચારીઓ ક્રિક વિસ્તારમાં સલામત રીતે શોધી કાઢવામાં આવ્યા હતા.
પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર કર્મચારીઓ શુક્રવારે ગુમ થયા બાદ શનિવારે ડ્રોનની મદદથી લોકેશનના આધારે BSF 59 બટાલિયનના જવાનોએ તેમને શોધી કાઢ્યા હતા.