હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ભાવનગરના રત્નકલાકારોની છીનવાઈ નોકરી, સ્થળાંતર કરવા બન્યા મજબૂર- Video
ગુજરાતનો હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાય સમયથી મંદીની ઝપેટમાં છે. સુરત જ નહીં ભાવનગરમાં પણ રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની છે. આ મંદીના ગ્રહણ પાછળનું સૌથી મોટુ કોઈ કારણ હોય તો તે છે લેબગ્રોન ડાયમંડ.
સુરતની જેમ જ બોટાદ અને ભાવનગર પણ હીરા ઉદ્યોગના હબ ગણાય છે. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી જાણે હીરા ઉદ્યોગની માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે. સુરત બાદ ભાવનગર જ એવો જિલ્લો છે કે જ્યાં હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતો હોય. પણ, હાલ મંદીના માહોલને પગલે અનેક રત્ન કલાકારોની નોકરીઓ છીનવાઈ ગઈ છે. અને તેમને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. દિવાળી બાદ ભાવનગરમાં હીરા ઉદ્યોગનું એક પણ કારખાનું શરૂ નથી થયું.
થોડાં દિવસ પહેલાં જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ નિવેદન કર્યું હતું કે રિયલ ડાયમંડમાં મંદીનું એક મોટું કારણ લેબગ્રોન ડાયમંડ છે. ત્યારે ભાવનગરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પણ. આ વાત સાથે સંમતિ દર્શાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે લેબગ્રોન હીરાઓ અને સીબીડી ડાયમંડ જેવા “નકલી ડાયમંડ”ને લીધે રિયલ ડાયમંડ ઉદ્યોગ હાલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. લેબગ્રોન ડાયમંડ એ લેબમાં તૈયાર થતો હીરો છે. પહેલાં જેને તૈયાર કરવામાં 28 દિવસ લાગતા તે હવે. 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે.
આજથી ત્રણ વર્ષ પહેલા લેબગ્રોન ડાયમંડનું માર્કેટ ખૂબ હતું. અને આંતરરાષ્ટ્રીય લેવલે તેની ડિમાન્ડ હતી. પરંતુ, હાલ ઉત્પાદન વધતાં તેનું માર્કેટ પણ નીચું ગયું છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ભવિષ્યમાં લોકોને સાચા અને ખોટા હીરાની પરખ થશે. એટલે લોકો જાતે જ “રિયલ ડાયમન્ડ” તરફ પાછા ફરશે. રિયલ ડાયમન્ડમાં હાલ મંદીનો માહોલ ભલે હોય. પણ, ભવિષ્યમાં લોકો રિયલ ડાયમંડની માંગ કરતા ફરી તેમાં તેજી જોવા મળશે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar