Ahmedabad : વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં, ચાલતી કારમાંથી રસ્તા પર ફેંક્યો સુતળી બોમ્બ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચાલુ કારમાંથી અસામાજિક તત્વોએ સળગતા સુતળી બોમ્બ જાહેર રસ્તા પર ફેંક્યાં અને ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. અસામાજિક તત્વોનું જાહેર રસ્તા પર ભય ફેલાવવાનું કારસ્તાન સામે આવ્યું છે. વસ્ત્રાલમાં ચાલુ કારમાંથી કેટલાક અસામાજિક તત્વોએ, સળગતા સુતળી બોમ્બ જાહેર રસ્તા પર ફેંક્યાં અને ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તા પર સળગતો સુતળી બોમ્બ ફેંકતા ધોરણ 10ની વિદ્યાર્થિની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. જેને સારવાર માટે લઇ જવાઇ છે. 28 માર્ચે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
આ પણ વાંચો : Breaking News: Ahmedabad: ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, 39 કરોડની કરાઈ ઠગાઈ
આ વીડિયોમાં તમે દ્રશ્યોમાં જોઇ શકો છો કે રસ્તા પર વિદ્યાર્થિની તેના પિતા સાથે એક્ટિવા પાછળ બેસીને ઘરે જઇ રહી છે. ત્યારે કારમાં આવેલા અસામાજિક તત્વો સળગતો સુતળી બોમ્બ રસ્તા પર ફેંકી દે છે. જે ફૂટીને વિદ્યાર્થિની પર પડે છે અને નિર્દોષ એવી કિશોરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. મળતી માહિતી મુજબ બોર્ડના છેલ્લા પેપરના દિવસે કક્ષા પ્રજાપતિ નામની વિદ્યાર્થીની ઘરે જતી હતી. ત્યારે આ ઘટના બની હતી.
રાજકીય વગને કારણે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાની ચર્ચા
એટલું જ નહીં જે કારમાંથી બોમ્બ ફેંકાયો હતો તે કક્ષાની સાથે જ અભ્યાસ કરતો દેવ નામનો સગીર કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. કારણ કે આટલી ગંભીર ઘટના હોવા છતાં પોલીસે માત્ર જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે. રાજકીય વગને કારણે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાની પણ ચર્ચા છે.
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં રહસ્યમ બ્લાસ્ટ
આ અગાઉ રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં રહસ્યમ રીતે બ્લાસ્ટ થવા અંગે મહત્વનો ખુલાસો થયો હતો. રાજકોટ FSLના પ્રાથમિક રિપોર્ટમાં ભેદી બ્લાસ્ટને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ધંધાકીય હરિફાઇમાં દેશી બોમ્બ બનાવીને મોબાઈલની દુકાનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
મહિલા સહિત 3 લોકોની અટકાયત
દુકાનમાં પાર્સલ મુકી દેનારી મહિલા સહિત 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલાની પુછપરછમાં સામે આવ્યું કે યુ ટયૂબના માધ્યમથી ટાયમર બોમ્બ તૈયાર કરવામાા આવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવા અજાણી મહિલા પ્લાસ્ટિકની થેલીમાં રમકડાની કાર લઈને આવી હતી. અને દુકાનમાં મુકી દેવામાં આવ્યો હતો. આ રમકડાની કારની બેટરીમાં લિક્વિડ લીક થતા આ ઘટના ઘટી હતી. તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…