યાત્રાધામ અંબાજીમાં 15 દિવસ બાદ મોહનથાળનો પ્રસાદ શરૂ કરાતા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ. મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવાયેલો મોહનથાળનો પ્રસાદ ફરી વેચાણ કેન્દ્રમાં મુકાતા પ્રસાદ લેવા ભક્તોની ભીડ લાગી.દરેક ભક્તોને પ્રસાદનો લાભ મળે તે માટે પ્રારંભે 3 હજાર 250 કિલો મોહનથાળ બનાવવામાં આવ્યો હતો.દુર-દુરથી અંબાજી માતાના દર્શનાર્થ આવેલા શ્રધ્ધાળુઓને ફરી મોહનથાળનો પ્રસાદ મળતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
તો આ તરફ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાતા માઈભક્તોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અંબાજીમાં મા અંબાના ભક્તો તેમજ દાંતાના રાજવી દ્વારા વરઘોડા સ્વરૂપ અંબાજીના ડી.કે. સર્કલથી માતાજીના મંદિર સુધી ઢોલ-નગારાં સાથે પદયાત્રા કરી મા અંબાને મોહનથાળનો ભોગ ધરાવ્યો હતો અને પ્રસાદ ફરી શરૂ થવાની ખુશીમાં માતાજીના શિખરે ધજા ચઢાવી હતી.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી મોહનથાળના પ્રસાદને બદલે ચિક્કી શરૂ કરવાના મંદિર ટ્રસ્ટના નિર્ણયને કારણે ભક્તોમાં નારાજગી જોવા મળી હતી.જો કે હવે ચિક્કી સાથે મોહનથાળ ચાલુ રહેશે તે પ્રકારે નિર્ણય લેવામા આવ્યો છે.