અમદાવાદમાં ખાડાઓ અને ભુવાનું સામ્રાજ્ય, જુના વાડજ વિસ્તારમાં જોગણી માતાનું આખેઆખુ મંદિર ભુવામાં ગરકાવ

ચોમાસુ આવતા જ તંત્રની ઢીલી કામગીરીની પોલ ખોલતા ભુવાઓ અમદાવાદ (Ahmedabad) ના રસ્તાઓ પર જોવા મળે છે. જેમા આ વર્ષે તો જાણે હદ થઈ હોય તેમ જુના વાડજમાં એમપીની ચાલી જવાના રસ્તે આવેલ જોગણી માતાનુ મંદિર આખેઆખુ ભુવામાં ગરકાવ થઈ ગયુ.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Jul 30, 2022 | 3:01 PM

અમદાવાદ (Ahmedabad) નગરી હવે ખાડાનગરી બની રહી છે. AMCના પાપે રસ્તા પર મસમોટા ખાડાઓ અને ભુવાનુ સામ્રાજ્ય ફેલાયુ છે. આ ખાડાઓને કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલ વરસાદ (Rain) ન હોવા છતા પણ રસ્તા પર ગમે ત્યારે પાણી ભરાઈ જાય છે. તંત્રની ઘોર બેદરકારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. શહેરમાં અભિષાપ સમાન આ મસમોટા ખાડા (Pothole) લોકોનો માથાના દુ:ખાવો વધારો રહ્યા છે. ચોમાસામાં સવારથી લઈને સાંજ સુધી જ્યાં જુઓ ત્યાં કોઈને કોઈ ભુવો પડવાના બનાવ બને છે.

જેમાં ઠેર-ઠેર ખાડાઓને કારણે લોકો ત્રાહિમામ છે. જુના વાડજમાં મસમોટો ભુવો પડ્યો, જો કે સારી બાબત એ રહી કે એ સમયે ત્યાંથી કોઈ પસાર થતુ ન થતુ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. કોર્પોરેશનની ઘોર બેદરકારીના પાપે આ મસમોટા ભુવામાં જોગણી માતાનું મંદિર ગરકાવ થઈ ગયુ હતુ. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ 40થી 50 વર્ષ જુની પાણીની લાઈન આવેલી છે. જેમાથી સમગ્ર નારણપુરા વિસ્તારનું પાણી પસાર થઈને નદીમાં જઈ રહ્યુ છે. આ લાઈનને કારણે ભુવો પડ્યો હોવાનુ સ્થાનિકોનુ કહેવુ છે. આ પાણીની લાઈનને કારણે જમીનમાં પોલાણ થતા આખેઆખુ મંદિર ભુવામાં ગરકાવ થઈ ગયુ છે.

40થી 50 વર્ષ જુની પાણીની લાઈન હોવા છતા કોર્પોરેશન દ્વારા અહીં કોઈ રિવ્યુ કરવામાં ન આવ્યુ કે લાઈનનું કોઈ મોનિટર પણ કરવામાં આવ્યુ ન હતુ. આ લાઈનનું પાણી સીધુ જ સાબરમતી નદીમાં જતુ હોય તો તે હાઈકોર્ટના નિર્દેશનો ભંગ કોર્પોરેશન દ્વારા ભંગ કરાતો હતો. ત્યારે હાલ અહીંના સ્થનિકોની માગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ ભુવો બુરવાની કામગીરી કરે અને ફરી જ્યાં મંદિર હતુ ત્યાં મંદિર બનાવી આપે.

બોપલમાં રસ્તા પર ખાડારાજ

દર વર્ષે ચોમાસા પહેલા AMC દ્વારા પ્રિમોન્સુન કામગીરીના મસમોટા દાવા કરવામાં આવે છે અને દર વર્ષે એની એ જ સમસ્યાઓ ઉભી જ હોય છે. થોડા વરસાદમાં પણ ઠેકઠેકાણે ભુવા પડવા અને રસ્તાઓ ધોવાઈ જવાની ઘટનાઓમાં કોઈ કમી આવતી નથી. દર વખતેની જેમ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાની AMCની કામ કરવાની જે રીત છે તે જ ઢબે કામ થઈ રહ્યુ છે.

શહેરના બોપલ વિસ્તારની પણ આ જ દશા છે અહીં રસ્તા પરના ખાડાથી જનતા પરેશાન છે. બોપલ વિસ્તારમાં રસ્તા પર ઠેકઠેકાણે ખાડા પડી જતા વાહનચાલકોને અભિમન્યુની જેમ સાત કોઠા વિંધવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકો કેટકેટલી જગ્યાએથી ખાડા તારવીને ચલાવે તે મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે. કેટલાક રસ્તાઓ પર તો એટલા ખાડા છે કે રસ્તા પર ખાડો છે કે ખાડામાં રસ્તો છે તે નક્કી કરવુ અઘરુ બની જાય છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati