અમદાવાદ : ‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
BAPS : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આ પ્રસંગનું આયોજન થયું હતું. આ આયોજિત ‘મિલેનિયમ મિરેકલ’કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અશક્ય જ્યારે શક્યમાં પરિવર્તિત થાય ત્યારે તેને ‘મિરેકલ’ કહેવાય છે. અબુધાબીમાં નિર્માણ પામેલું આ ભવ્ય મંદિર પણ એક પ્રકારે ‘મિલેનિયમ મિરેકલ’ જ છે, જેનો ખૂબ મોટો ફાયદો માનવજાતને મળવાનો છે.
કેસરી કલરમાં ઘણા ગુણો છે : CM
ભુપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતુ કે, જ્યાં જ્યાં કેસરી કલર પહોંચે છે, એ ત્યાં બધાને પોતાના કરી દે છે. કેસરી કલર જોતાંની સાથે જ તમારું મન પ્રફુલ્લિત કરે છે. એવો એ કલર છે. તેમાં ઘણા બધા એવા ગુણ છે એટલે એવું થાય કે કેસરી તો હોવું જ જોઈએ. આ પછી તેને ‘મિલેનિયમ મિરેકલ’ વિશે પણ વાત કરી. કહ્યું કે, મિરેકલ એટલે કે જાદુ. ખરેખર અશક્યને શક્યમાં પરિવર્તિત થાય એટલે આપણા માટે તો જાદુ જ છે.
કાર્યક્રમમાં ઘણા લોકોએ હાજરી આપી
તાજેતરમાં UAEના આવેલા અબુધાબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અબુધાબીમાં સ્થપાયેલું પ્રથમ હિન્દુ મંદિર છે. આ સન્માન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો અને અનુયાયીઓ, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, શાયોના ગ્રુપના ચેરમેન સુરેશભાઈ પટેલ, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલ, AMCના સત્તાધીશો, શાયોના ગ્રુપના કર્મચારીઓ, સામાજિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.