ચૂંટણી જીતી ગયા બાદ, ભાજપના આ સાંસદે ખુલ્લેઆમ આપી ધમકી, જુઓ વીડિયો
ભાજપની વધુ એક વાર ટિકિટ મેળવીને લોકસભાની ચૂંટણી જીતેલા આ સાંસદે, ગર્વિષ્ઠ રીતે કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. આ પ્રકારની ધમકી જાહેર મંચ પરથી જે રીતે અપાઈ છે તે જોતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં રહેલા તેમના વિરોધીઓને સાંસદે હિસાબ પુરો કરવાની ધમકી આપી છે. જેઓ આડકતરી રીતે એમ પણ કહી રહ્યાં છે કે, જો ભારતીય જનતા પક્ષ, મારા વિરોધીઓ સામે પગલા નહીં ભરે તો તેઓ તેમની રીતે તેનો હિસાબ કરશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજીવાર ક્લિન સ્વીપ કરવામાંથી ચૂકેલ ભારતીય જનતા પાર્ટીના સાંસદે જાહેર મંચ પરથી તેમના વિરોધીનો હિસાબ સરભર કરવાની ચિમકી ઉચ્ચારી છે. જૂનાગઢ સંસદીય મતક્ષેત્રમાં પ્રાચી ખાતે આયોજીત કાર્યકર્તા આભાર દર્શન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને સંબોધતા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ, ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા. રાજેશ ચુડાસમાના આ શબ્દો બાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ ભાજપમાં નવા વમળો સર્જે તો નવાઈ નહીં.
રાજેશ ચુડાસમાએ તેમના સંબોધન દરમિયાન ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, મને જે નડ્યા છે તેમને હુ મુકવાનો નથી. ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. તેમણે ગર્વિષ્ઠ ભાષામાં એમ પણ કહ્યું કે, મારા એક પત્ર લખવાથી અધિકારીઓની બદલી થઈ જાય તેવી મારી તાકાત છે. મને હરાવવા માટે ઘણા પરિબળો કામ કરતા હતા તેનો હિસાબ થશે.
પ્રાચી ખાતે આયોજીત કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં જે રીતે સાંસદ રાજેશ ચુડાસમાએ, ખુલ્લેઆમ ચિમકી ઉચ્ચારી છે તે સ્પષ્ટ કરી આપે છે કે, રાજેશ ચુડાસમાએ ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા તેમના વિરોધીઓને ધમકી આપી છે. ભાજપ હિસાબ કરે કે ના કરે હુ હિસાબ કરીશ એવા વાક્યનો અર્થ સ્વંય સ્પષ્ટ છે કે, જો મારા વિરોધીઓ સામે ગુજરાત ભાજપ કોઈ પગલાં નહી ભરે તો સાંસદ રાજેશ ચુડાસમા તેમની રીતે હિસાબ સરભર કરશે. આ હિસાબ કેવી રીતે, કેવા પ્રકારે, કોની સાથે સરભર કરશે તે તેમણે જણાવ્યું નથી.