દેશભરમાં 77 કરોડનો ચૂનો લગાવનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ ; 16 શખ્સો પોલીસ સકંજામાં

| Edited By: | Updated on: Apr 14, 2026 | 4:57 PM

ગાંધીનગર સાયબર ક્રાઈમે વડોદરા, પાલનપુર અને ગોવામાં સપાટો બોલાવી કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ખોટી પેઢીઓ અને 350 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા નાણાંની હેરફેર કરતું આ નેટવર્ક કેવી રીતે પકડાયું? જાણો સંપૂર્ણ વિગતો.

દેશભરમાં વધતા જતા સાયબર ક્રાઈમના કિસ્સાઓ વચ્ચે ગાંધીનગર ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ને એક મોટી સફળતા મળી છે. સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતી એક હાઈટેક ગેંગના નેટવર્કને પોલીસે તોડી પાડ્યું છે. પોલીસે વડોદરા, પાલનપુર અને ગોવા એમ ત્રણ અલગ-અલગ શહેરોમાં દરોડા પાડીને કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે.

ગોવાથી ઓપરેટ થતું હતું આખું નેટવર્ક

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ મૂળ પાટણનો જીતુ ઠક્કર છે, જે ગોવા બેઠા-બેઠા આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો. સાયબર ક્રાઈમની ટીમે ગોવામાં રેડ કરીને જીતુ ઠક્કર સહિત 9 શખ્સોને ઝડપી લીધા છે. આ ગેંગ વિવિધ રીતે લોકો સાથે ઠગાઈ કરી, તે રૂપિયા ખોટી પેઢીઓના નામે ખોલાવેલા અથવા અન્યના ‘મ્યુલ એકાઉન્ટ્સ’માં જમા કરાવતી હતી.

77 કરોડનું કૌભાંડ અને 350 બેંક એકાઉન્ટ

તપાસ દરમિયાન પોલીસને આશ્ચર્યચકિત કરી દે તેવા પુરાવા મળ્યા છે. પોલીસને 350 જેટલા બેંક એકાઉન્ટ નંબરો મળ્યા છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 77 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ફરિયાદો દેશભરમાં નોંધાયેલી છે. આરોપીઓ આ એકાઉન્ટ્સનો ઉપયોગ માત્ર નાણાંની હેરફેર માટે કરતા હતા.

ભારે માત્રામાં મુદ્દામાલ જપ્ત

રેડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ટેકનોલોજીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં:

15 લેપટોપ અને 87 મોબાઈલ ફોન

126 સીમકાર્ડ અને 2 રાઉટર

115 ડેબિટ કાર્ડ, 82 પાસબુક અને 15 ચેકબુક

હાલમાં પોલીસ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અન્ય રાજ્યોની પોલીસ પાસેથી પણ વિગતો મંગાવવામાં આવી રહી છે, જેથી હજુ પણ મોટા સાયબર ગુનાઓ અને વધુ નાણાકીય હેરાફેરી બહાર આવવાની શક્યતા છે.

ઉનાળામાં ઈડલીનું ખીરું ખાટું થઈ જાય છે? બસ, આ એક પાન મૂકો અને જુઓ જાદુ!

Follow Us