ગીર સોમનાથના કોડિનારમાં 10 ઈંચ તો સૂત્રાપાડામાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, ઠેર-ઠેરથી સામે આવ્યા તારાજીના દૃશ્યો- Video
ગીરસોમનાથના કોડીનારમાં ભારે વરસાદ બાદ હાલાકીના દૃશ્યો સર્જાયા છે. એક જ રાતમાં એકસામટો 10 ઈંચ વરસાદ તૂટી પડતા ચોમેર પાણી ભરાયા છે. જિલ્લામાં અનેક સ્થળોથી હાલાકી અને તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોડિનારમાં એક જ રાતમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે અગાઉથી જ ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપેલુ છે. આગાહી અનુસાર જ મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ઘમરોળ્યો છે. જિલ્લાના કોડિનાર તાલુકામાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. જેમા વેલણ ગામ પાણી પાણી થયુ છે. નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે. ગોંદરા ચોક, માઢવાડ રોડ બેંક સામેના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છ. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ખાવા-પીવાની તમામ ચીજ વસ્તુઓમાં સહિત ઘર વખરીને વ્યાપક નુકસાન થયુ છે. ગામમાં પુષ્કળ પાણી ભરાઈ જતા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાની બૂમરાણ ઉઠી રહી છે.
આ તરફ સૂત્રાપાડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. ગામની ગલીઓમાંથી નદીઓ વહી રહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાલાળાના આંબળાસ ગામની દશા ભારે કફોડી થઈ છે. ગામમાં જાણે નદી વહેતી હોય તેમ વરસાદી પાણી વહી રહ્યા છે.
આ તરફ વેરાવળ પંથકમાં પણ અવિરત વરસાદને કારણે મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થઈ છે. તપેશ્વર મંદિર વિસ્તાર અને મંદિર પરિસરમામ પાણી ભરાયા છે. ધોધમાર વરસદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. વેલણ ગામમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. ગોંદરા ચોક, માઢવાડ રોડ બેંક સામેના વિસ્તારોમાં પાણી ભરાયા છે.