Mythology : શું તમને ખબર છે આજે પણ પૃથ્વી પર હયાત છે શ્રીકૃષ્ણનું હૃદય ! વાંચો આ રોચક કથા

ભગવાન મૃત્યુલોકને છોડીને કેવી રીતે પોતાના લોકમાં ગયા તેનું વર્ણન ભાગવત પુરાણના 11માં સ્કંદમાં મળે છે. જે અનુસાર પ્રભાસતીર્થ ક્ષેત્રમાં યાદવાસ્થળી થઈ. યદુઓ અંદરો અંદર લડવા લાગ્યા. શ્રીકૃષ્ણ અને બલરામજીએ તેમને બહુ વાર્યા પણ તેઓ ન માન્યા.

Mythology : જે મનુષ્ય આ ધરતી પર જન્મે છે, તેણે એક દિવસ તો આ ભૌતિક શરીરને ત્યાગવું જ પડે છે. આ જ સૃષ્ટિનો નિયમ છે અને ધરતી પર અવતાર ધરનારા ભગવાન પણ આ લીલામાંથી બાકાત રહી શકતા નથી. અલબત્, લીલાપુરુષોત્તમ શ્રીકૃષ્ણ(Lord Krishna)ની લીલાઓનો તો તાગ મેળવવો જ મુશ્કેલ છે. કારણ કે દંતકથા(Mythology) એવી છે કે શ્રીકૃષ્ણ(Shri Krishna)ના દેહનું એક અંગ આજે પણ આ ધરતી પર હયાત છે !

શ્રીકૃષ્ણએ તેમના જીવનમાં જેટલી લીલાઓ કરી છે તેટલી તો કદાચ જ કોઈએ કરી હશે. અને જાણે આ જ ક્રમ તેમના દેહત્યાગ સુધી જળવાયો. કહે છે કે જ્યારે શ્રીકૃષ્ણએ દેહ ત્યાગી તેમના નિજ ધામ તરફ પ્રયાણ કર્યું, ત્યારે તેમના દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરંતુ, તેમનું હૃદય તો ભયાનક અગ્નિ વચ્ચે પણ જેમનું તેમ જ રહી ગયું ! હવે પ્રશ્ન એ થાય કે જો વાસ્તવમાં એવું કંઈ થયું હોય તો અત્યારે તેમનું એ દિલ ક્યાં છે ? અને જો સાચે જ એ અંગ શ્રીકૃષ્ણનું જ છે તો તેનું પ્રમાણ શું છે ? આજે આપણે આ જ સવાલોના જવાબ મેળવીશું.

ભગવાન મૃત્યુલોકને છોડીને કેવી રીતે પોતાના લોકમાં ગયા તેનું વર્ણન ભાગવત પુરાણના 11માં સ્કંદમાં મળે છે. જે અનુસાર પ્રભાસતીર્થ ક્ષેત્રમાં યાદવાસ્થળી થઈ. યદુઓ અંદરો અંદર લડવા લાગ્યા. શ્રીકૃષ્ણ અને બલરામજીએ તેમને બહુ વાર્યા પણ તેઓ ન માન્યા. આખરે, સ્વયં શ્રીકૃષ્ણ અને બલરામજીએ, દુર્બુદ્ધિ યદુઓનો સંહાર કર્યો. ત્યારબાદ બલરામજીએ ધ્યાનમાં લીન થઈ પોતાના ભૌતિક શરીરને ત્યાગી દીધું. તો, બીજી તરફ શ્રીકૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે જઈને બેસી ગયા.

તે સમયે શ્રીકૃષ્ણના દેહમાંથી એટલો પ્રકાશ નીકળી રહ્યો હતો કે જે બધી દિશાઓના અંધકારને નષ્ટ કરી રહ્યો હતો ! શ્રીકૃષ્ણ જમણા પગ પર ડાબો પગ ચઢાવીને બેઠાં હતા. તે જ સમયે એક શિકારીએ દૂરથી ભગવાનના ચરણકમળ જોયા. તેને તે હરણનું મુખ હોય એવું લાગ્યુ. તેણે તેને હરણ સમજી બાણ મારી દીધુ. પ્રભુના ચરણમાંથી રક્તની ધાર વહેવા લાગી. અને પછી ભગવાને પોતાના શરીર સાથે જ સ્વધામગમન કર્યું. અલબત્ લોકકથાઓમાં તો પાંડવો દ્વારા શ્રીકૃષ્ણના અંતિમ સંસ્કાર થયા હોવાનો ઉલ્લેખ મળે છે.

દંતકથા એવી છે કે અંતિમ સંસ્કાર સમયે શ્રીકૃષ્ણનો દેહ સંપૂર્ણપણે બળીને પંચતત્વમાં વિલીન થઈ ગયો. પરંતુ, તેમનું દિલ નષ્ટ ન થયું અને અંત સમય સુધી જેમનું તેમ જ રહ્યું ! આખરે, પાંડવોએ તેમના દિલને જળમાં પ્રવાહિત કરી દીધું. કથા એવી છે કે શ્રીકૃષ્ણના દેહનો આ ભાગ રાજા ઈન્દ્રધુમ્નને મળ્યો. રાજા ઈન્દ્રધુમ્ન ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. તેમણે આ દિલને ભગવાન જગન્નાથની લાકડાથી નિર્મિત પ્રતિમામાં સ્થાપિત કરાવડાવી દીધું. કહે છે કે આજે પણ આ દિલ જગન્નાથજીની પ્રતિમામાં હયાત છે !

પુરી જગન્નાથધામના મંદિરમાં ભગવાન જગન્નાથ તેમના ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન થયા છે. અહીં લાકડામાંથી નિર્મિત પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે અષાઢ માસ સાથે અધિક અષાઢ માસ આવે છે, ત્યારે નવી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવે છે. અને તે સાથે જ ભગવાનનું દિલ પણ જૂની પ્રતિમામાંથી નવી પ્રતિમામાં મૂકી દેવાય છે. આ પ્રક્રિયા ખૂબ જ ગુપ્તપણે અને વિશેષ અનુષ્ઠાન સાથે કરવામાં આવે છે. જે પૂજારી આ અનુષ્ઠાન કરે છે તેના હાથ અને આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. ન તો કોઈને પ્રત્યક્ષપણે તે દિલને જોવાની પરવાનગી છે કે ન તો સ્પર્શવાની.

નવી પ્રતિમામાં શ્રીકૃષ્ણના હૃદયની સ્થાપનની વિધિ નવકલેવરના નામે ઓળખાય છે. આ વિધિ સમયે આખા શહેરની લાઈટ બંધ કરી દેવાય છે. લોકોની એવી માન્યતા છે કે જો શ્રીકૃષ્ણનું દિલ સૂર્યપ્રકાશ કે કોઈપણ પ્રકારના વિધુત પ્રકાશના સંપર્કમાં આવશે તો તેમાં કંપન થવા લાગશે. જેમ કે તે કોઈ ઉપકરણ હોય. આ કથામાં તથ્ય કેટલું છે, તે કહેવું તો મુશ્કેલ છે. પણ, હકીકત એ છે કે પુરી જગન્નાથનું મુખ્ય મંદિર અનેકવિધ રહસ્યો અને ચમત્કારોનું સાક્ષી બનતું જ રહ્યું છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati