અંગારકી સંકષ્ટીનો (SANKASHTI) અવસર એટલે ગજાનનની કૃપાપ્રાપ્તિનો સર્વોત્તમ અવસર. મંગળવાર અને વદ પક્ષની ચોથ એટલે કે, સંકષ્ટી જ્યારે એકસાથે આવતી હોય, ત્યારે તે અંગારકી ચતુર્થી તરીકે ઓળખાય છે. આ ચોથ અંગારકી, અંગારક કે અંગારકી સંકષ્ટી જેવાં નામે પણ પ્રસિદ્ધ છે. ગજાનન શ્રીગણેશનું સંકષ્ટીનું વ્રત અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવાનું છે. એમાંય જ્યારે અંગારકી સંકષ્ટીનો સંયોગ હોય ત્યારે તેનાથી પ્રાપ્ત થનારા ફળ અનેકગણાં વધી જાય છે. અષાઢ વદ ચોથ, મંગળવાર, તારીખ 27 જુલાઈના રોજ પણ આ અદભુત સંયોગ બની રહ્યો છે, ત્યારે આવો જાણીએ કે કેવાં વિધિ-વિધાન દ્વારા આ અવસરે પ્રાપ્ત થશે ગજાનનની વિશેષ કૃપા.
ગણેશ પુરાણ પ્રમાણે આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે. આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, વિવાહ આડેના અવરોધો દૂર કરવા આ વ્રત વિશેષ ફળદાયી મનાય છે. આ વ્રતના પ્રભાવથી દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે. વ્રતથી પ્રસન્ન થઈ શ્રીગણેશ ઋણમુક્તિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે. ત્યારે આવો જાણીએ વ્રતની વિધિ.
વ્રતની વિધિ
1. મંગળવારે સવારે વહેલા ઊઠી સ્નાન કરી ગજાનનની સન્મુખ બેસો.
2. સર્વ પ્રથમ અંગારકી સંકષ્ટી વ્રતનો સંકલ્પ લો અને તે નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે શ્લોક સાથે પ્રાર્થના કરો.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ।
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ।।
3. સંકલ્પ બાદ શ્રીગણેશનું ષોડશોપચાર પૂજન કરો.
4. “ૐ ગં ગણપતયૈ નમઃ।” બોલતા ગજાનનને 21 દૂર્વા અર્પણ કરો.
5. શક્ય હોય તો આ દિવસે પ્રભુને 21 લાડુનો ભોગ લગાવો.
6. 21 લાડુમાંથી 5 ભગવાન પાસે રાખો, બીજા 5 કોઈ બ્રાહ્મણને દાનમાં આપો અને બાકીના બધાં લાડુ પ્રસાદ રૂપે વહેંચી દો.
7. આ દિવસે ગણેશ અથર્વશીર્ષ કે સંકટનાશક સ્તોત્રનું પઠન ફળદાયી બની રહેશે.
8. કોઈ સ્તોત્રનું પઠન શક્ય ન હોય તો શક્ય એટલાં ગણેશમંત્રના જાપ કરો.
9. આ દિવસે ઉપવાસ રાખવો. ઉપવાસ શક્ય ન હોય તો પણ દિવસ દરમિયાન માત્ર ફળ ગ્રહ કરવા.
10. રાત્રે ચંદ્રોદય બાદ તેના દર્શન કરી ભોજન ગ્રહણ કરી શકાય.
કહે છે કે નિયમ અનુસાર અંગારકી ચતુર્થીનું વ્રત કરવાથી ગજાનન ચોક્કસથી પ્રસન્ન થાય છે અને ભક્તના સઘળા મનોરથોની પૂર્તિ કરે છે.
આ પણ વાંચોઃ પ્રભુ સેવા પહેલાં માતા-પિતાની સેવા, પંઢરીનાથને પણ જોવી પડી ભક્ત પુંડલિકની રાહ !