9 મહિનાના બાળકને ભેટમાં મળી 40 કરોડની મિલકત, ભેટ આપનાર પર 4300 કરોડના કૌભાંડનો આરોપ

રાણા કપૂરની પત્ની બિંદુ કપૂરે તેના 9 મહિનાના પૌત્રને એક પ્રોપર્ટી ભેટમાં આપી છે. આ પ્રોપર્ટીની કિંમત 40 કરોડ આંકવામાં આવી રહી છે.

9 મહિનાના બાળકને ભેટમાં મળી 40 કરોડની મિલકત, ભેટ આપનાર પર 4300 કરોડના કૌભાંડનો આરોપ

તમે યસ બેંક (Yes Bank)ના સ્થાપક રાણા કપૂર (Rana Kapoor)નું નામ તો સાંભળ્યું જ હશે. તે હાલમાં મની લોન્ડરિંગના કેસમાં જેલમાં છે. રાણા કપૂરની પત્ની બિંદુ કપૂરે તેના 9 મહિનાના પૌત્રને એક પ્રોપર્ટી ભેટમાં આપી છે. આ પ્રોપર્ટીની કિંમત 40 કરોડ આંકવામાં આવી રહી છે. એક ન્યુઝ વેબસાઈટ મુજબ આ મિલકત દિલ્હીના જોરબાગમાં છે અને તે બિંદુ કપૂરના નામે હતી. હવે તેની રજિસ્ટ્રી તેમના પૌત્ર અશ્વિન ખન્નાના નામે કરવામાં આવી છે.

 

 

એક મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર ગિફ્ટ ડીડની તારીખ 31 જુલાઈ 2021 છે. આ માટેની સ્ટેમ્પ ડ્યુટી 36.90 લાખ રૂપિયા છે. જોરબાગમાં આ મિલકત 370 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 2 BHK , લિવિંગ એરિયા અને પાર્કિંગની જગ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોરનો વિસ્તાર 161 ચોરસ મીટર છે. દસ્તાવેજ મુજબ બિંદુ રાણા કપૂરને આ મિલકત તેના પિતા પાસેથી મળી હતી. 2004માં તેમને પૈતૃક સંપત્તિમાંથી હિસ્સો મળ્યો.

 

પ્રોપર્ટી અટેચમેન્ટનો ડર હોય શકે 

આ ડીલ અંગે કાનૂની નિષ્ણાતો કહે છે કે તમારા નજીકના લોકોને પ્રોપર્ટી ભેટમાં આપવી ખોટી નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જો કોઈને લાગે કે આવનારા દિવસોમાં તેની સામે પ્રોપર્ટી અટેચમેન્ટની કાર્યવાહી થઈ શકે છે, આવી પરીસ્થિતિમાં તેઓ મિલકત ટ્રાન્સફર કરવાની પદ્ધતિ અપનાવતા હોય છે. માટે આ ઘટનાને તે દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય છે.

 

PMLA કોર્ટ તરફથી કોઈ રાહત નહીં

21 જુલાઈએ રાણા કપૂરને PMLA કોર્ટ દ્વારા આંચકો લાગ્યો હતો. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડ ટાળવા માટે યસ બેંકના સ્થાપક દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. તેમના વકીલોએ કહ્યું કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આવી પરીસ્થિતિમાં તેના અસીલને જેલમાં રાખવાનો કોઈ અર્થ નથી. જોકે, કોર્ટે આ દલીલ સ્વીકારી ન હતી. માર્ચ 2020માં મની લોન્ડરિંગના કેસમાં રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી હતી.

 

4300 કરોડની ગેરરીતિનો છે આરોપ

આ કેસ રાણા કપૂર પરિવાર અને DHFL પ્રમોટર વચ્ચે શંકાસ્પદ વ્યવહારો સાથે જોડાયેલો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કહેવું છે કે 600 કરોડ રૂપિયા કેટલીક કંપનીઓ પાસેથી તેમની પત્ની બિંદુ કપૂર અને ત્રણ પુત્રીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

 

આ કંપનીનું જોડાણ DHFL સાથે છે. DHFLના પ્રમોટરો પણ તપાસ હેઠળ છે અને જેલમાં છે. EDના જણાવ્યા અનુસાર રાણા કપૂર અને તેના પરિવારના સભ્યોએ પદનો દુરુપયોગ કર્યો હતો અને લગભગ 4,300 કરોડ રૂપિયાની ગેરરીતિ કરી હતી. DHFL પર લગભગ 14 હજાર કરોડના કૌભાંડનો આરોપ છે. સીબીઆઈ એમ પણ કહે છે કે રાણા કપૂરે લાંચ લીધી અને કેટલાક કોર્પોરેટને લોન આપી જે પાછળથી એનપીએ (NPA ) બની.

 

 

આ પણ વાંચો : Gold Silver Price: રૂપિયામાં ઘટાડાને કારણે સોના-ચાંદીમાં આવ્યો ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાની કિંમત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati