તમારા સ્માર્ટફોનમાં આ સંકેતો દેખાય તો ચેતી જજો, બેન્ક બેલેન્સ ખાલી થાય તે પહેલાં આ સેટિંગ્સ કરો!
જો તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થઈ રહ્યો હોય, બેટરી ઝડપથી ખતમ થઈ રહી હોય અથવા વિચિત્ર કોલ અને મેસેજ આવી રહ્યા હોય, તો સાવધાન રહો. આ સંકેતો ફોન હેકિંગના હોઈ શકે છે. ચાલો જાણીએ, ફોન હેક થયો છે કે નહીં તે કેવી રીતે ઓળખી શકાય અને તેનાથી કેવી રીતે બચવું.

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. પરંતુ જેમ જેમ ટેક્નોલોજી વધી રહી છે, તેમ તેમ સાયબર ક્રાઈમના કિસ્સાઓ પણ ઝડપથી વધી રહ્યા છે. હેકર્સ નવી પદ્ધતિઓ અપનાવીને લોકોના બેંક એકાઉન્ટ અને વ્યક્તિગત ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એક નાની બેદરકારી, જેમ કે નકલી લિંક પર ક્લિક કરવું અથવા અજાણી એપનો એક્સેસ આપવો, તમારા આખા સ્માર્ટફોનને હેક કરી શકે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, જો તમે સ્માર્ટફોનની કેટલીક સલામતી ચેતવણીઓ ઓળખી લો છો, તો તમે તમારી જાતને અને તમારા રૂપિયા બચાવી શકો છો.
સ્માર્ટફોન હેકિંગના સંકેતો
- ફોન વારંવાર ચાલુ અને બંધ થઈ રહ્યો છે. જો તમારો સ્માર્ટફોન કોઈ કારણ વગર વારંવાર ચાલુ અને બંધ થઈ રહ્યો છે, તો આ એક મોટી ચેતવણી છે. આનો અર્થ એ થઈ શકે છે કે કોઈ તમારા ફોનને રિમોટ એક્સેસ દ્વારા નિયંત્રિત કરી રહ્યું છે.
- જો તમે તેનો ઉપયોગ સામાન્ય રીતે કરી રહ્યા છો પરંતુ તેમ છતાં તમારી બેટરી પહેલા કરતા વધુ ઝડપથી ખતમ થઈ રહી છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે કોઈ માલવેર અથવા સ્પાયવેર બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યું છે અને ડેટા ચોરી રહ્યું છે.
- જો તમને વારંવાર અજાણ્યા નંબરો પરથી કોલ અથવા મેસેજ આવી રહ્યા છે, તો આ સ્પષ્ટ સંકેત છે કે કોઈ તમારા મોબાઈલને ટ્રેક કરી રહ્યું છે. જો તમારા નંબર પરથી મેસેજ આપમેળે મોકલાઈ રહ્યા છે, તો તે પણ હેકરનું કૃત્ય હોઈ શકે છે.
- ફોન ધીમો ચાલતો હોય, હેંગ થતો હોય અથવા એપ્સ આપમેળે ખુલતી હોય, આ બધા સંકેતો છે કે ફોનમાં કોઈ ખતરનાક સોફ્ટવેર કામ કરી રહ્યું છે.
- જો તમારો ઇન્ટરનેટ ડેટા અચાનક ઝડપથી ખતમ થઈ રહ્યો છે, તો આ એ સંકેત હોઈ શકે છે કે કોઈ તમારા ફોનમાંથી ડેટા ટ્રાન્સફર કરી રહ્યું છે.
જો ઉપરોક્ત સંકેતો તમારા સ્માર્ટફોનમાં દેખાય છે, તો ગભરાશો નહીં. નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને, તમે તમારા ઉપકરણ અને ડેટાને સુરક્ષિત રાખી શકો છો.
Factory Data Reset કરો
જો તમને લાગે કે ફોન હેક થઈ ગયો છે, તો તરત જ ફોનને ફેક્ટરી રીસેટ કરો. આનાથી તમારા ફોન પરનો બધો ડેટા ડિલીટ થઈ જશે અને ખતરનાક એપ્સ કે વાયરસ પણ દૂર થઈ જશે. પરંતુ તે પહેલાં, મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ લો.
ઓફિશિયલ એપ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરો
Google Play Store અથવા Apple App Store પરથી જ એપ ડાઉનલોડ કરો. કોઈપણ થર્ડ પાર્ટી કે અજાણી વેબસાઇટ પરથી એપ ડાઉનલોડ કરશો નહીં.
અજાણી લિંક પર ક્લિક કરશો નહીં
SMS, ઈમેલ કે વોટ્સએપ પર મળેલી કોઈપણ વિચિત્ર લિંક પર ક્લિક કરવાનું ટાળો. હેકર્સ આ દ્વારા તમારા ફોનમાં વાયરસ નાખે છે.
એપ્સને એક્સેસ આપતા પહેલા વિચારો
જ્યારે કોઈ એપ તમને માઇક્રોફોન, કેમેરા કે કોન્ટેક્ટ લિસ્ટની એક્સેસ માંગે છે, ત્યારે પહેલા તપાસો કે તે એપ વિશ્વસનીય છે કે નહીં. તેના રિવ્યુ અને રેટિંગ્સ પર જરૂરી ધ્યાન આપો.
કોઈની સાથે OTP અને પાસવર્ડ શેર કરશો નહીં
જો કોઈ તમને ફોન કરીને OTP માંગે છે, તો સાવચેત રહો. બેંકો, UPI કે કોઈપણ સંસ્થા ક્યારેય ફોન પર OTP માંગતી નથી.
તમારા સ્માર્ટફોનની સુરક્ષા સેટિંગ્સ હંમેશા અપડેટ રાખો. સ્ક્રીન લોક, ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોકનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. સમય સમય પર એપ્સની પરવાનગીઓ તપાસતા રહો અને બિનજરૂરી એપ્સ ડિલીટ કરતા રહો.