ધરણા પર બેઠેલા રેસલર્સનો WFI પર નવો આરોપ-પીડિતો મહિલા રેસલર્સને મળી ધમકી અને પૈસાની ઓફર
ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ઘરણા પર બેઠેલા રેસલર્સ હવે નવો આરોપ લગાવ્યો છે. બજરંગ પુનિયાએ કહ્યું છે કે, પીડિત મહિલા રેસલર્સ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમને ધમકી અને પૈસાની ઓફર આપવામાં આવી છે.
દિલ્હીના જંતર-મંતર પર ભારતના દિગ્ગજ રેસલર્સ ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. આ બધા વચ્ચે ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા એ નવો દાવો કર્યો છે. તેણે જણાવ્યું છે કે ભારતીય કુશ્તી સંઘ સાથે જોડાયેલા લોકો ઘરણા પર બેઠેલા રેસલર્સને ધમકી આપી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે મહિલા રેસલર્સને પૈસાની ઓફર પણ કરવામાં આવી છે, જેથી તેઓ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ થયેલી ફરિયાદ પાછી લઈ લે.
પુનિયાએ જણાવ્યું કે મહિલા રેસલર્સને કોઈ પણ નુકશાન થશે તો તેના જવાબદાર પોલીસ અને સરકાર હશે. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ એફઆઈઆર દાખલ નથી કરી. રેસલર્સનો આરોપ છે કે છેલ્લા 3 મહિનાથી ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ પર કોઈ કાર્યવાહી નથી થતી કારણ કે તે ભાજપનો સાંસદ પણ છે.
શુક્રવારે મહિલા રેસલર્સની અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સે આરોપો લગાવ્યા છે. જાન્યુઆરીમાં જંતર-મંતર ખાતે મહિલા રેસલર્સે પણ પ્રદર્શન કર્યું હતું. ત્રણ મહિના બાદ ફરીથી આ ભારતીય ખેલાડીઓને જંતર-મંતર પર વિરોધ કરવાની ફરજ પડી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરતા દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. રેસલર્સે આરોપ લગાવ્યો હતો કે, તેઓ એફઆઈઆર નોંધવા માટે દિલ્હી પોલીસ પહોંચ્યા હતા પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી.
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને શુક્રવાર સુધીમાં જવાબ આપવા કહ્યું છે. શુક્રવારે જવાબ મળ્યા બાદ કોર્ટ ફરી સુનાવણી કરશે.સુપ્રીમ કોર્ટે મહિલા રેસલર્સની ફરિયાદને સીલબંધ કવરમાં રાખવાનો આદેશ આપ્યો હતો. CJI ચંદ્રચુડે કહ્યું કે અરજદાર મહિલા ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ બહુ ગંભીર બાબત છે. CJIએ કહ્યું છે કે 156/03 હેઠળ પણ તમે FIRની માંગ કરી શકો છો. સિબ્બલે કહ્યું કે ,આ મામલો ઘણો ગંભીર છે. અમે ઘણી વખત પ્રયાસ કર્યો છે. સિબ્બલે કહ્યું કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવાનું જાણી જોઈને ટાળી રહી છે. CJIએ પૂછ્યું, તમારે અરજીકર્તાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી.
શું હતો સમગ્ર મામલો?
બ્રિજ ભૂષણ શરણ સિંહ પર દેશના દિગ્ગજ કુસ્તી ખેલાડીઓએ મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના માટે રમત મંત્રાલયે તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહ પર લાગેલા જાતીય આરોપોને લઈને જંતર-મંતર પર કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ છે. ટીવી 9 સાથેની વાતચીતમાં સંગીતા ફોગાટે કહ્યું કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉઠીશું નહીં.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…