PM મોદીએ થોમસ કપ વિજેતા ટીમ ઈન્ડિયા સાથે વાત કરી, રમત મંત્રાલય અને BAIએ ઈનામોનો કર્યો વરસાદ
થોમસ કપ 2022માં (Thomas Cup 2022) પ્રથમ વખત ફાઈનલ રમી રહેલી ભારતીય બેડમિન્ટન ટીમે 14 વખતની ચેમ્પિયન ઈન્ડોનેશિયાને 3-0થી હરાવીને આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.

ભારતીય રમતગમતના ઈતિહાસમાં રવિવાર 15મી મેના રોજ વધુ એક ગૌરવશાળી અધ્યાય ઉમેરાયો. 73 વર્ષથી રમાતી બેડમિન્ટનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંની એક ભારતીય ટીમે થોમસ કપ 2022માં (Thomas Cup 2022) પ્રથમ વખત ટાઈટલ જીત્યું. બેંગકોકમાં રમાયેલી આ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય બેડમિન્ટન ટીમે (Indian Badminton Team) 14 વખતની ચેમ્પિયન ઈન્ડોનેશિયાને એકતરફી રીતે 3-0થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. પ્રથમ વખત ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમની આ યાદગાર સિદ્ધિએ સમગ્ર દેશને ખુશ કરી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની ખુશી વ્યક્ત કરી અને ખેલાડીઓ સાથે વાત કરી, જ્યારે રમત મંત્રાલય અને બેડમિન્ટન એસોસિએશન (BAI)એ ઈનામોનો વરસાદ કર્યો.
લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંતે રવિવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈન્ડોનેશિયા સામે ભારત માટે સિંગલ્સ ઈવેન્ટ જીતી હતી, જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીની પ્રબળ જોડીએ ડબલ્સ જીતીને પ્રથમ ત્રણ મેચમાં જ ખિતાબનો દાવો કર્યો હતો. ભારતની આ યાદગાર અને ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયા સાથે ફોન પર વાત કરી અને તેમને આ શાનદાર સફળતા માટે અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ ગત વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ વિજેતા ખેલાડીઓ સાથે વાત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ સાથે વાત કરી
રમતગમત મંત્રાલય 1 કરોડનું રોકડ ઈનામ આપશે
પ્રથમ વખત આટલું મોટું ટાઈટલ જીતવા પર દેખીતી રીતે જ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અને તેમના પ્રદર્શનને માન આપવા ઈનામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને ભારતીય ટીમને એક કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. ઠાકુરે લખ્યું, “ભારતીય ટીમની આ અસાધારણ સફળતા માટે રમતગમત મંત્રાલય નિયમોને હળવા કરતી વખતે 1 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરીને ખુશ છે.”
BAI ખેલાડીઓ અને સ્ટાફનું સન્માન કરશે
બેડમિન્ટન એસોસિએશને પણ તેના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનું સન્માન કરવાની જાહેરાત કરી હતી. BAIના પ્રમુખ હેમંતા બિસ્વા સરમાએ પોતાના ટ્વીટમાં જાહેરાત કરી હતી કે દેશનું નામ રોશન કરવા બદલ એસોસિએશન દ્વારા ખેલાડીઓને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે, જ્યારે સપોર્ટ સ્ટાફને પણ ઈનામ તરીકે 20 લાખ રૂપિયા આપવામાં આવશે.
CWG અને એશિયન ગેમ્સમાં મેડલની આશા
આ ઐતિહાસિક જીત સાથે ભારતીય ટીમ અને ખેલાડીઓ પાસેથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. આ વર્ષે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષા રાખવામાં આવશે. આ સાથે આગામી વર્ષે યોજાનારી એશિયન ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શનની અપેક્ષાઓ રહેશે.