આઈસ સ્પીડ સ્કેટિંગમાં ભારતનો વાગ્યો ડંકો, યુવા સ્કેટરે મેડલ જીતી રચ્યો ઈતિહાસ
છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટ સિવાય ભારતીય ખેલાડીઓ અન્ય રમતોમાં તેમની પ્રતિભા બતાવી રહ્યા છે અને દેશમાં તે રમતોને ઓળખ આપી રહ્યા છે. એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં તાજેતરના પ્રદર્શન બાદ આવી નવી રમતોમાં રસ વધ્યો છે. હવે આમાં આઈસ સ્પીડ સ્કેટિંગનું નામ ઉમેરો થશે. હંગેરીમાં ભારતના યુવા સ્કેટરે મેડલ જીતી કમાલ કર્યો હતો.
હંગેરીમાં ભારતીય સ્કેટરે બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ભારતનો યુવાન આઈસ સ્કેટર એકલવ્ય જગલ આઈસ સ્પીડ સ્કેટિંગમાં પોતાની છાપ છોડી રહ્યો છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતા એકલવ્યએ વર્ષ 2024માં હંગેરીમાં આયોજિત જાઝ કપમાં શાનદાર જીત મેળવીને પોતાના અભિયાનની શરૂઆત કરી છે.
એકલવ્ય જગલે જીત્યો બ્રોન્ઝ મેડલ
શોર્ટ ટ્રેક આઈસ સ્પીડ સ્કેટિંગમાં ભાગ લેનાર એકલવ્ય જગલે જોરદાર પ્રદર્શન કર્યું અને આઠમા જાઝ કપમાં સફળતા હાંસલ કરી છે. આ વર્ષની પોતાની પ્રથમ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા એકલવ્યે 500 મીટર ઈવેન્ટમાં આ જીત મેળવી હતી. યુવા સ્કેટર એકલવ્યએ 500 મીટરની રેસ માત્ર 46.334 સેકન્ડમાં પૂરી કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
યુરોપિયન સ્કેટર્સ સામે મેળવી જીત
આ સ્પર્ધા 19-21 જાન્યુઆરી 2024 દરમિયાન સ્ઝ્ઝર્બિયા હંગેરીમાં યોજાઈ હતી, જેમાં એકલવ્ય જગલે યુરોપના સ્કેટર્સ સામે સ્પર્ધા કરી હતી અને ઉભરતા ભારતીય સ્કેટરે મેડલ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ક્રોએશિયા, ચેક રિપબ્લિક, રોમાનિયા, સ્લોવેનિયા, સર્બિયા, હંગેરી અને ભારતના ખેલાડીઓએ ભાગ લીધો હતો.એકલવ્ય ભારતમાં ઘણા મેડલ જીતી ચૂક્યો છે. એકલવ્ય છેલ્લા 5 વર્ષથી સતત રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતી રહ્યો છે. એકલવ્યએ ગયા વર્ષે પ્રથમ વખત યોજાયેલી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
વિન્ટર ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાનું સપનું
હંગેરીમાં સફળતા પછી, એકલવ્યની નજર હવે ફેબ્રુઆરી 17 – 18, 2024 ના રોજ ISU જુનિયર વર્લ્ડ કપ શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ પર છે, જ્યાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ટુર્નામેન્ટ નેધરલેન્ડના હીરેનવીનમાં યોજાશે. આ પછી, તે 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી 2024 દરમિયાન ગડાન્સ્ક (પોલેન્ડ)માં યોજાનારી ISU વર્લ્ડ જુનિયર શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લેશે. એકલવ્યનું સપનું છે કે તે 2026માં ઈટાલીમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે.
આ પણ વાંચો : નસીબ હોય તો શુભમન ગિલ જેવું! રોહિત શર્મા ઈચ્છે તો પણ ટીમની બહાર નહીં કરી શકે