Cristiano Ronaldo: અલ નાસર ફૂટબોલ ક્લબે પ્રથમ વખત અરબ ક્લબ ચેમ્પિયન્સ કપનો ખિતાબ જીત્યો, જુઓ Video
Cristiano Ronaldo:ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ખરીદ્યા બાદ સઉદી અરબના ક્લબ અલ નાસરે પ્રથમ ટાઇટલ જીતી લીધુ છે. 9 ખેલાડીઓ સાથે રમતા અરબ ક્લબે ચેમ્પિયન્સ કપની ટાઇટલ મેચમાં રોનાલ્ડોના બે ગોલના મદદથી કટ્ટર હરીફ અલ હિલાલને 2-1 થી માત આપી હતી.
Portugal નો સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ફીફા વિશ્વ કપ બાદ સાઉદી અરબના ક્લબ અલ નાસર (Al-Nassr) સાથે જોડાયો હતો. વિશ્વ કપ દરમિયાન માન્ચેસ્ટર યૂનાઇટેડએ રોનાલ્ડો સાથે અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. સઉદી અરબના ક્લબ સાથે રોનાલ્ડોની શરૂઆત ખાસ રહી ન હતી પણ સમય સાથે તે ફોર્મમાં પરત ફર્યો હતો. હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની રમતના દમ પર સાઉદી ક્લબને 9 ખેલાડીઓ સાથે રમતા ફાઇનલ મેચમાં અરબ ક્લબ ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતાડવામાં મદદ કરી હતી. રોનાલ્ડોએ બે વર્ષ બાદ કોઈ ટીમ ખિતાબ જીત્યો હતો. બે વર્ષ પહેલા તેણે ઇટાલીના ફૂટબોલ ક્લબ યુવેનટસ સાથે 2021માં કોપા ઇટાલીયાનો ખિતાબ જીત્યો હતો.
રોનાલ્ડોએ કર્યા બે ગોલ
અલ નાસરને આ મેચમાં 2-1 થી જીત મળી હતી અને બંને ગોલ રોનાલ્ડોએ જ કર્યા હતા. ફાઇનલ મેચમાં અલ નાસરની ટક્કર હરીફ અલ હિલાલ સાથે હતી. 51મી મિનિટમાં માઇકલના ગોલથી અલ હિલાલને 1-0 ની સરસાઇ મળી હતી જે બાદ અલ નાસરની હાલત વધુ ખરાબ થઇ જ્યારે 71મી મિનિટમાં અબ્દુલેલાહ એલ અમરીને રેડ કાર્ડ બતાવવામાં આવ્યો હતો. પણ આની ત્રણ મિનિટ બાદ જ રોનાલ્ડોએ ગોલ કરી દીધો હતો. 78મી મિનિટમાં ટીમના વધુ એક ખેલાડી નાવાદ બુશાલને પણ રેડ કાર્ડ બતાવવામાં આવ્યો હતો. હવે મેદાન પર અલ નાસરના ફક્ત 9 જ ખેલાડી હતા.
Extremely proud to helped the team winning this important trophy for the 1st time! Thank you to everyone in the club that was involved in this great achievement and to my familly and friends for always being by my side! Fantastic support by our fans!This also belongs to you!💛💙 pic.twitter.com/MGDxXc7AD3
— Cristiano Ronaldo (@Cristiano) August 12, 2023
એક્સ્ટ્રા ટાઇમમાં ગઇ ફાઇનલ મેચ
નિર્ધારિત 90 મિનિટ બાદ બંને ટીમનો સ્કોર 1-1 હતો. તે બાદ રમત એક્સ્ટ્રા ટાઇમમાં ગઇ હતી. 98મી મિનિટમાં રોનાલ્ડોની રમતનો જાદુ વધુ એક વખત મેદાન પર જોવા મળ્યુ હતુ. તેણે 9 ખેલાડીઓ સાથે રમતા ટીમ માટે વધુ એક ગોલ કર્યો હતો જે મેચ વિનિંગ ગોલ રહ્યો હતો. 115મી મિનિટમાં રોનાલ્ડોને ઇજાના કારણે મેદાન છોડીને જવુ પડયુ હતુ. અલ હિલાલએ પૂરતા પ્રયત્નો કર્યા હતા પણ તે ગોલ કરવામાં અસફળ રહી હતી. આ સાથે રોનાલ્ડોએ અલ નાસર માટે પોતાની પ્રથમ ટ્રોફી જીતી લીધી હતી.
#CRISTIANORONALDO LIFTING THE TITLE. HERE IS THE COMPLETE VIDEO ❤️pic.twitter.com/MV4zmlgg2S
— CR7 FC⭐ (@gyimahJoseph22) August 12, 2023
રોનાલ્ડોનો સતત પાંચમી મેચમાં ગોલ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ છેલ્લી પાંચ મેચમાં અલ નાસર માટે ગોલ કર્યા છે. સેમિફાઇનલમાં ટીમને 1-0 થી જીત મળી હતી અને તે ગોલ રોનાલ્ડોએ કર્યો હતો. તે પહેલા ક્વાર્ટર ફાઇનલમાં પણ તેણે ગોલ કર્યો હતો. અરબ ક્લબ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ગોલ કરવા માટે તેને ગોલ્ડન બૂટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. 38 વર્ષના રોનાલ્ડોએ ક્લબ માટે અત્યાર સુધી 25 મેચમાં 20 ગોલ કરી દીધા છે.