World Cup 2023: ભારત આવતા પહેલા બાબર આઝમે મીડિયા પર લગાવ્યો મોટો આરોપ
વર્લ્ડ કપ માટે ભારત આવતા પહેલા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા કર્મીઓ સામે જ મીડિયા પર આરોપ લગાવ્યો હતો. સાથે જ એશિયા કપમાં ટીમના ખરાબ પ્રદર્શન જવાબ આપ્યો હતો અને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમના જીતવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ક્રિકેટના મહાકુંભને શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ (World Cup 2023) માટે પાકિસ્તાનની ટીમને વિઝા મળી ચૂક્યા છે અને તમામ ખેલાડીઓ 27 તારીખે ભારત આવી પહોંચશે. ભારત માટે રવાના થવાના એક દિવસ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે (Babar Azam) પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં બાબરે મીડિયા (Media) ના વલણ અંગે પર પ્રતિક્રિયા આપી હતી.
ખોટા ન્યૂઝ ચલાવવાનો લગાવ્યો આરોપ
બાબર આઝમે વર્લ્ડ કપ અંગે કોઈ પણ સવાલનો જવાબ આપતા પહેલા પાકિસ્તાન ટીમમાં ખેલાડીઓ વચ્ચે અણબનાવ હોવાની વાત અંગે ખુલાસો કર્યો હતો. બાબરે કહ્યું કે, મીડિયા અમારા વિરુદ્ધ ખોટા સમાચારો ફેલાવે છે. અમારી ટીમમાં ખેલાડીઓ વચ્ચે લડાઈ અને અણબનાવ અંગે ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં કોઈ સત્ય નથી. અમે બધા ખેલાડીઓ એક પરિવાર છીએ, અને હાર હોય કે જીત, અમે સાથે ચર્ચા વિચારણા કરીએ છીએ.
પાકિસ્તાન વર્લ્ડ કપ જીતશે: બાબર આઝમ
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને એક પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે, વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ટોપ-4માં પહોંચશે? આ અંગે કેપ્ટન બાબરે જવાબ આપ્યો હતો કે, ટોપ 4 નહીં, અમે નંબર 1 આવીશું. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અમે સતત ક્રિકેટ રમી રહ્યા છીએ. વર્લ્ડ કપ શરૂ થવામાં હજી સમય છે. અમે ટ્રેનિંગ અને પ્રેક્ટિસ કરીશું અને વોર્મ અપ મેચમાં સારું પ્રદર્શન કરીશું.
આ પણ વાંચો : કોહલીના રિટાયરમેન્ટ અંગે ડી વિલિયર્સે કહી મોટી વાત, લાખો ચાહકોના દિલ તૂટી ગયા!
બાબરને ખેલાડીઓ પર છે પૂરો ભરોસો
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને તેમના જીતવાના ચાન્સ અંગે પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, મને મારી ટીમ અને વર્લ્ડ કપમાં સિલેકટ થયેલ ખેલાડીઓ પર પૂરો ભરોસો છે. અમારા ખેલાડીઓ દરેક મેચમાં પોતાનું 100 ટકા આપશે અને અમે વિજયી બનીશું.
ભારતમાં પાકિસ્તાન ટીમને સમર્થન મળવાની આશા
બાબર આઝમે ભારતમાં વર્લ્ડ કપ રમવા અંગે જણાવ્યું હતું કે, હું પહેલી વાર ભારત જઈ રહ્યો છું, મને આશા છું કે ભારતમાં પાકિસ્તાન ટીમને સમર્થન મળશે. અમે પાકિસ્તાની ફેન્સને ત્યાં મિસ કરીશું.