T20 વિશ્વકપ (T20 World Cup) માં હાર્દિક પંડ્યા (Hardik Pandya) નુ સિલેક્શન કરવામાં આવ્યુ હતુ. વિશ્વકપમાં ભારતીય ટીમ (Indian Cricket Team) નુ પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ હતુ અને જેને લઇને ટીમ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. અનેક દિગ્ગજોએ હાર્દિક પંડ્યાના ટીમમાં સમાવેશને લઇને પણ સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન તાજેતરમાં ખુલાસો કર્યો હોય એમ હાર્દિક પંડ્યાએ પોતે જ આ મામલામાં એક નિવેદન કર્યુ હતુ અને પોતાની પસંદગી અંગેની વાત કહી હતી. જેના પર વિરાટ કોહલીના બાળપણના કોચ ભડકી ઉઠ્યા હતા. તેઓએ પંડ્યાના નિવેદનને છોકરમત સમાન નિવેદન ગણાવ્યુ હતુ.
પંડ્યાએ તાજેતરમાં એક નિવેદન ટી20 વિશ્વકપમા પોતાની પસંદગી મામલે નિવેદન કર્યુ હતુ જેમાં તેણે કહ્યુ હતુ કે, પોતાને પસંદગી કારોએ માત્ર એક બેટ્સમેનના રુપમાં જ પસંદ કર્યો હતો. જે વાતને લઇને કોહલીના કોચે તે નિવેદનને છોકરમત સમાન ગણાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કેપ્ટનના રુપમાં વિરાટ કોહલી માટે ટી20 વિશ્વકપ અંતિમ ટૂર્નામેન્ટ હતી, તે ઇવેન્ટ બાદ તે ટી20 ફોર્મેટની કેપ્ટનશીપથી દુર થઇ રહ્યો હતો.
આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ વિશ્વકપમાં પ્રથમ વાર પાકિસ્તાન સામે હારી હતી. જેને લઇને ચાહકો પણ નિરાશ હતા. તો વળી ટૂર્નામેન્ટમાં પ્રદર્શન પણ કંગાળ રહ્યુ હતુ. આમ ભારતીય ટીમ પર સવાલો ઉઠી રહ્યા હતા તેમાં સૌથી વધુ હાર્દિક પંડ્યાની બોલીંગને લઇને સવાલ થઇ રહ્યા હતા. પંડ્યાએ ટુર્નામેન્ટમાં ના ની બરાબર બોલીંગ કરી હતી. જેને લઇને સવાલ થઇ રહ્યા હતા કે હાર્દિક પંડ્યા બોલીંગ માટે ફિટ નહોતો. જો આમ જ હતુ તો તેને ટીમમાં સ્થાન કેમ આપ્યુ હતુ. અન્ય ઓલરાઉન્ડરને સમાવવાની જરુર હોવાની સલાહો થવા લાગી હતી.
મીડિયા અહેવાલ મુજબ વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ આ મામલે નિવેદન કર્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, કોઇ પણ ટીમની પસંદગી માટે કોચ અને કેપ્ટનની ડિમાંડ હોય છે. જોકે અંતિમ નિર્ણય સિલેક્ટર્સના હાથમાં જ હોય છે. જો હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવામાં આવ્યો હતો તો, તેણે આવુ છોકરમત ભર્યુ નિવેદન કરવાની જરુર નહોતી. તમારે કોચનો આભાર મનવો જોઇએ કે તમને ટીમમાં સ્થાન આપ્યુ. હાર્દિક ચિફ સિલેક્ટરને લઇને જે વાત કહી રહ્યો છે, તેના પર ચિફ સિલેક્ટરે સ્પષ્ટતા કરવી જોઇએ.
પોતાના સિલેક્શનને લઇને હાર્દિક પંડ્યાએ કહ્યુ હતુ કે, ટી20 વિશ્વકપના પહેલા થી જ પસંદગીકારોને જાણ હતી કે, તે ફક્ત બેટીંગ માટે જ ફિટ છે. તેમજ તેને બોલીંગ માટે ફિટ થવા સમય લાગી શકે છે. આમ છતાં પણ તેણે તે મેચોમાં બોલીંગ કરવી પડી હતી, જ્યાં તેને બોલીંગ નહોતી કરવી જોઇતી હતી. આમ તે એક બેટ્સમેન તરીકે જ પસંદ થયો હતો એમ તેનુ કહેવુ હતુ અને તેને લઇને હવે તે ચર્ચામાં રહ્યો છે કે ખરેખર તેની પસંદગી શા માટે કરવામાં આવી હતી. હાર્દિક હવે આઇપીએલમાં અમદાવાદની ટીમની આગેવાની સંભાળતો જોવા મળશે અને તે આઇપીએલમાં બોલીંગ કરશે કે કેમ તે ટૂર્નામેન્ટ સમયે જ ખ્યાલ આવશે.