Virat Kohli Test Captaincy: કેપ્ટનશિપ છોડવા સાથે હવે વિરાટ કોહલી માટે મોટો ખતરો, ટેસ્ટ ટીમમાં સુરક્ષિત રહેશે સ્થાન?
વિરાટ કોહલી (Virat Kohli) એ શનિવારે ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દીધી, હવે તે કોઈપણ ફોર્મેટનો કેપ્ટન નથી.
વિરાટ કોહલી (Virat Kohli) એ ODI, T20 બાદ હવે ટેસ્ટની કેપ્ટનશીપ છોડી દીધી છે. વિરાટના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા કારણ કે કોઈને આશા ન હતી કે કોહલી આટલી જલ્દી ટેસ્ટમાંથી પણ કેપ્ટનશિપ છોડી દેશે. વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડ્યા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીએ BCCI સાથે વાત કર્યા વિના જ ટેસ્ટ કેપ્ટનશિપ (Virat Kohli Test Captaincy) છોડી દીધી હતી અને તેણે બોર્ડને પોતાના નિર્ણયની સીધી જાણકારી આપી હતી. વિરાટે પોતાના નિર્ણય વિશે માત્ર ટીમના ખેલાડીઓને જ કહ્યું અને કેપટાઉન ટેસ્ટ સમાપ્ત થયાના 24 કલાક પછી કેપ્ટન્સી છોડી દીધી.
છેલ્લા ત્રણ મહિનામાં જે રીતે ત્રણેય ફોર્મેટમાંથી વિરાટ કોહલીની કેપ્ટનશીપ ગઇ છે તે જોઈને લાગે છે કે તેના પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે કેવી રીતે? વાત જાણે એમ છે કે, અહેવાલો મુજબ વિરાટ કોહલીએ સુકાની પદ છોડતા પહેલા BCCIની સલાહ લીધી ન હતી. વિરાટ કોહલી અને બોર્ડ વચ્ચે હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે. કોહલી હવે કેપ્ટન નથી અને છેલ્લા બે વર્ષથી તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તે પૂજારા અને રહાણેની જેમ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. વિરાટ કોહલીના આંકડા તેના માટે મુશ્કેલી બની શકે છે.
વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ તેના માટે ખતરો!
ટેસ્ટ ક્રિકેટમાં 50થી વધુની એવરેજ ધરાવનાર વિરાટ કોહલી છેલ્લા બે વર્ષથી ખરાબ ફોર્મમાં છે. વિરાટ કોહલી 15 ટેસ્ટમાં માત્ર 6 અડધી સદી ફટકારી શક્યો છે. વિરાટે 27 ઇનિંગ્સમાં 28.14ની એવરેજથી 760 રન બનાવ્યા છે. હવે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાના પ્રદર્શન પર નજર નાખો. છેલ્લા બે વર્ષમાં રહાણેએ 19 ટેસ્ટમાં 24.08ની એવરેજથી 819 રન બનાવ્યા છે. ચેતેશ્વર પુજારે છેલ્લા બે વર્ષમાં 20 ટેસ્ટમાં 26.29ની એવરેજથી 973 રન બનાવ્યા છે. મતલબ કે વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાના પ્રદર્શનમાં બહુ ફરક નથી.
હવે જ્યારે પૂજારા અને રહાણેના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યા છે તો વિરાટ કોહલી પર કેમ નહીં? વિરાટ કોહલીએ કોઈપણ રીતે કેપ્ટનશિપ છોડી દીધી છે. વર્તમાન ટીમ મેનેજમેન્ટને પણ તેમના વિશ્વાસની વાત કહેવામાં આવી રહી નથી. તો શું વિરાટ કોહલી ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે કે પછી પસંદગીકારો પ્રદર્શનના નામે કોઈ મોટું પગલું ભરશે.
વિરાટ કોહલી અને BCCI વચ્ચે બધુ બરાબર નથી
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને BCCI વચ્ચે પહેલાથી જ બધુ બરાબર નથી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા BCCIએ વિરાટ કોહલી પાસેથી ODI ની કેપ્ટનશીપ છીનવી લીધી હતી. ત્યારબાદ તેણે BCCI અને સૌરવ ગાંગુલી પર સવાલો ઉઠાવ્યા હતા. ગાંગુલીએ કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે વિરાટ કોહલી ટી-20ની કેપ્ટનશીપ છોડે અને તેણે વિરાટને ના પાડી હતી.
પરંતુ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ ગાંગુલીની વાત ખોટી ગણાવી હતી. તે સ્પષ્ટ છે કે વિરાટ કોહલીની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે, તે કેપ્ટન રહ્યો નથી. હવે જો તે પ્રદર્શન નહીં કરે તો તેનું પરિણામ અન્ય ખેલાડી જેવું જ આવી શકે છે.