ઓસ્ટ્રેલિયા માટે ખેલાડીઓએ ઓલિમ્પિકમાં 46 મેડલ મેળવ્યા છતાં આવો થયો વ્યવહાર, Glenn Maxwellએ ઠાલવ્યો રોષ
દર વખતની માફક ઓસ્ટ્રેલિયન એથલેટોએ ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. ઓસ્ટ્રેલિયા માટે 17 ગોલ્ડ મેડલ પણ મેળવ્યા હતા. પરંતુ પરત ફર્યા બાદ એથલેટો સાથે ઉત્સવના દૃશ્યોને બદલે જુદી જ પરિસ્થીતી સર્જાઇ હતી.
દર વખતની જેમ આ વખતે પણ ઓસ્ટ્રેલિયાએ ઓલિમ્પિકમાં દમદાર પ્રદર્શન કર્યું હતુ. ઓસ્ટ્રેલિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics-2020)માં કુલ 46 મેડલ મેળવ્યા હતા, જેમાંથી 17 ગોલ્ડ મેડલ જીત્યા હતા. પરંતુ તેમના ખેલાડીઓ ઘરે પરત ફર્યા, એ સાથે જ ઓસ્ટ્રેલિયન સરકારે (Australian Government) તેમની સાથે જે વર્તન કર્યું તેની ચારે બાજુ ટીકા થઈ રહી છે.
દક્ષિણ ઓસ્ટ્રેલિયાની સરકારે તેના ખેલાડીઓ માટે ક્વોરન્ટાઈન સમયગાળો વધારી દીધો છે. હવે આ ખેલાડીઓનો કુલ ક્વોરન્ટાઈન સમયગાળો 28 દિવસનો થઈ ગયો છે. આ કારણે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ક્રિકેટર ગ્લેન મેક્સવેલ (Glen Maxwell) ખૂબ જ નિરાશ અને ગુસ્સામાં છે. તેણે આ માટે દક્ષિણ ઓસ્ટ્રેલિયાની સરકાર પર પોતાનો રોષ ઠાલવ્યો છે.
મેક્સવેલે ટ્વીટ કરીને લખ્યું કે દેશને ચમકાવનારા ખેલાડીઓ પ્રત્યે સરકારનો આ વ્યવહાર ખરાબ છે. મેક્સવેલે ટ્વીટ કર્યું હતું કે આ ખૂબ જ ખરાબ વર્તન છે. આપણા દેશનું પ્રતિનિધિત્વ કરનારા ઓલિમ્પિયનો સાથે આ કેવું વર્તન છે?
This is actually disgusting. What a way to treat our olympians who represented us so well 🤦🏻♂️ https://t.co/5k2WcN6LY4
— Glenn Maxwell (@Gmaxi_32) August 11, 2021
મીડીયા રિપોર્ટ અનુસાર દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ હાલમાં સિડનીમાં છે. જે અન્ય ખેલાડીઓ સાથે ક્વોરન્ટાઈનમાં છે. પરંતુ તેમને વધારાના ક્વોરન્ટાઈન સમયમાંથી પસાર થવું પડશે. ચાહકોએ તેની ઘણી ટીકા કરી છે. કહ્યુંં છે કે દેશને ગૌરવ અપાવનારા ખેલાડીઓ સાથે વ્યવહાર કરવાનો આ સારો રસ્તો નથી. ખાસ કરીને જ્યારે માનસિક અને ભાવનાત્મકતા તેની ચરમસીમા પર હોય.
કોવિડ-19ના સમય દરમ્યાન વિવિધ પ્રકારના બબલને કારણે ખેલાડીઓની સ્વતંત્રતા પર કાપ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ખેલાડીઓના સ્વાસ્થ્ય માટે વધારાનો ક્વોરન્ટાઈન યોગ્ય રહેશે નહીં. કારણ કે ખેલાડીઓ પહેલેથી જ તેમના પરિવારથી ઘણા દૂર છે.
AOCએ કહ્યું દેશના પ્રતિનિધિત્વની સજા મળી!
ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક સમિતિ (AOC)ના મુખ્ય કાર્યકારી અધિકારી મેટ કૈરોલે કહ્યું હતુ કે આ નિર્ણય Australian Institute of Sportsના વિશેષજ્ઞોની સ્વાસ્થ સલાહ પર નિર્ભર છે. સીએમઓ હ્યુઝ એ કહ્યું હતુ કે આ પ્રકારના ક્વોરન્ટાઈન ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યને પડકાર આપી શકે છે. સાઉથ ઓસ્ટ્રેલિયા એક માત્ર આવુ રાજ્ય છે, જેણે આમ કર્યુ છે.
દેશના આ હિસ્સાથી 56 ખેલાડીઓ પરત ફરશે, જ્યારે 16 ખેલાડીઓ સિડનીમાં ક્વોરન્ટાઈનમાં છે. મેટ કૈરોલે કહ્યું બાકીના દેશના ખેલાડીઓ પરત ફરવાનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યાં આપણે ખેલાડીઓ સાથે અહીં ખરાબ વ્યવહાર કરી રહ્યા છીએ. તેમને ઓલિમ્પિક રમતોમાં શાનદાર રીતે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાને લઈ તેની સજા મળી રહી છે.