Team India: ટીમ ઇન્ડીયામાં ફૂટ પડી, વિરાટ કોહલી સામે રહાણે અને પુજારા ઉતર્યા, BCCI ને કરાઇ ફરીયાદ, જાણો શુ છે પૂરો મામલો?
જૂન મહિનામાં ટીમ ઇન્ડીયા (Team India) ઈંગ્લેન્ડ પહોંચી ત્યાં સુધી બધુ બરાબર હતુ. પરંતુ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હારથી બધું બદલાઈ ગયું.
વિરાટ કોહલી (Virat Kohli) એ T20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત સાથે જ અટકળો શરૂ થઈ ગઈ હતી. તે વખતે જ લાગતુ હતુ કે જેવુ દેખાય છે એવું ચિત્ર નથી. અહીં વાત જુદી છે. હવે ધીમે ધીમે પત્તા ખુલી રહ્યા છે, જે ટીમમાં પડેલી ફુટની તે અટકળો તરફ ઈશારો કરે છે. અહેવાલ છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારની કડવો ઘૂંટ પીધા પછી, ઘણા સિનીયર ભારતીય ક્રિકેટરોએ વિરાટ કોહલી સામે મોરચો ખોલ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સમાં વિશ્વસનીય સુત્રો દ્વારા અહેવાલ આપ્યો છે કે, ઓછામાં ઓછા બે સિનીયર ભારતીય ક્રિકેટરોએ BCCI સચિવ જય શાહ (Jay Shah) ને વિરાટ કોહલીના તેમના પ્રત્યેના વર્તન અંગે ફરિયાદ કરી હતી. અહેવાલમાં વિરાટ કોહલી એ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની ખેંચતાણનો પણ ઉલ્લેખ કર્યો છે.
રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડીયા (Team India) જૂન મહિનામાં ઇંગ્લેન્ડ પહોંચી ત્યાં સુધી પરિસ્થિતિ સારી હતી. પરંતુ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હારથી બધું બદલાઈ ગયું હતુ. સાઉથમ્પ્ટનમાં રમાયેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડીયા જીતની દાવેદાર હતી. પરંતુ, બેટિંગમાં નિષ્ફળતાના કારણે તેમને આ ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે જો બેટિંગ નિષ્ફળ રહી તો સવાલો થયા અને કેપ્ટન કોહલીએ ટીમના વરિષ્ઠ બેટ્સમેનોને નિશાન બનાવ્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હાર બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, માનસિકતા રન બનાવવાની અને રન બનાવવાના રસ્તા શોધવાની હોવી જોઈએ. તમે આઉટ થવા માટે વધારે ચિંતિત ન થઈ શકો, તમે બોલરને પોતાના પર પ્રભુત્વ મેળવવાની તક આપો.
WTC ફાઇનલ બાદ ટીમનું વાતાવરણ ગરમાયુ
સૂત્રોના જણાવ્યા અનુસાર, WTC ફાઇનલમાં બેટ્સમેનોની નિષ્ફળતા બાદ વિરાટ કોહલીએ ડ્રેસિંગ રૂમમાં પુજારા અને રહાણેને પણ ખેંચ્યા હતા. તેણે પુજારાના ધીમા સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવ્યા અને પછી રહાણેના નબળા ફોર્મ પર નિશાન સાધ્યું. ટીમની અંદર બનેલી આ બાબતોને મોટા મુદ્દામાં ફેરવાતાં લાંબો સમય લાગ્યો નહીં. WTC ફાઇનલ પછી, જ્યારે ટીમ ઇન્ડીયા 2 અઠવાડિયાના વિરામ પર હતી, એ દરમ્યાન બંને વરિષ્ઠ બેટ્સમેનોએ BCCI સચિવને વ્યક્તિગત ફોન કર્યો, ત્યારબાદ BCCI ને આ મામલામાં દાખલ થવું પડ્યું.
હવે વનડેની કેપ્ટનશિપ કોહલીના હાથમાંથી જશે!
એવું માનવામાં આવે છે કે તે ફોન કોલ પછી, બીસીસીઆઈએ ટીમના અન્ય ખેલાડીઓ પાસેથી ફીડબેક પણ લીધો હતો. ત્યાર બાદ નક્કી કર્યું કે ઈંગ્લેન્ડ પ્રવાસના અંતે તેના પર કોઇ એક્શન લેવામાં આવશે. કોહલીએ પોતાની T20 કેપ્ટનશિપ છોડવાનું કારણ કામના ભારણને ગણાવ્યું હોય, પરંતુ એવું માનવામાં આવે છે કે વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ બીસીસીઆઈ તેની વનડે કેપ્ટનશિપ અંગે પણ નિર્ણય લઈ શકે છે.