T20 World Cup: ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારે અને કેટલી વાર થઈ ટક્કર, આ રહી સંપૂર્ણ વિગતો
ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) બંને ટીમ T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં 6 વખત આમને સામને આવી ચુકી છે. આ 6 મેચોમાંથી ટીમ ઈન્ડિયાએ 5 મેચ જીતીને પાકિસ્તાન સામે જોરદાર લીડ મેળવી લીધી છે. આ સિવાય પાકિસ્તાનની ટીમ માત્ર 1 મેચ જીતવામાં સફળ રહી હતી.
ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) ની ટીમો 23 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં સામસામે છે અને સમગ્ર ક્રિકેટ જગત આ બંને ટીમો વચ્ચેની લડાઈ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ કટ્ટર હરીફો વચ્ચેની લડાઈએ પહેલાથી જ ઘણો રોમાંચ સર્જ્યો છે. આ મેચ દ્વારા બંને ટીમો તેમના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી રહી છે અને આ પહેલા બંને ટીમ T20 વર્લ્ડ કપમાં 6 વખત આમને સામને આવી ચુકી છે. આ 6 મેચોમાંથી ટીમ ઈન્ડિયા (Team India) એ 5 મેચ જીતીને પાકિસ્તાન સામે દમદાર રેકોર્ડ ધરાવે છે. જેની સામે પાકિસ્તાનની ટીમ માત્ર 1 મેચ જીતવામાં સફળ રહી હતી. જે વિજય ગત સિઝનમાં મેળવ્યો હતો.
ટી20 વિશ્વકપમાં ક્યારે થઈ હતી ટક્કર, શુ રહ્યુ પરીણામ?
1. વર્ષ 2007, ડરબન
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત આમને સામને થયા હતા. હાઈ-વોલ્ટેજ મેચે ટૂર્નામેન્ટની શરુઆતની આવૃત્તિની પ્રથમ મેચથી જ ચાહકોને મોજ કરાવી દીધી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે રોબિન ઉથપ્પાની અડધી સદી અને કેપ્ટન એમએસ ધોની અને ઈરફાન પઠાણની મહત્વની ઈનિંગ્સની મદદથી 9 વિકેટે 141 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ પાકિસ્તાની ટીમને ભારતીય બોલરોએ શરૂઆતથી જ ઝટકા આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ અંતિમ તબક્કામાં મિસ્બાહ ઉલ હકની અડધી સદીએ મેચની દિશા બદલી નાખી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા આ મેચ ટાઈ કરવામાં સફળ રહી હતી. જે બાદ બોલ આઉટ દ્વારા વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો અને આ મેચમાં ટીમ ઈન્ડિયા એ જીત મેળવવામાં સફળ રહી હતી.
2. વર્ષ 2007, જોહાનિસબર્ગ
ભારત અને પાકિસ્તાન બીજી વખત ટકરાયા હતા.પ્રથમ એડિશનની ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાનની આ ટક્કર શાનદાર હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ગૌતમ ગંભીરે ભારત તરફથી 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે રોહિત શર્માએ પણ અણનમ 30 રન બનાવ્યા હતા. આ બંનેની ઉપયોગી રમતના કારણે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનને ઈમરાન નઝીરે માત્ર 14 બોલમાં 33 રન બનાવીને સારી શરૂઆત અપાવી હતી. નાઝીર રન આઉટ થતાં જ પાકિસ્તાન ટીમની વિકેટો નિયમિત અંતરે પડવા લાગી. આમ છતાં મિસ્બાહ-ઉલ-હકે મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી લીધી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 13 રનની જરૂર હતી અને ભારતને જીતવા માટે એક વિકેટની જરૂર હતી. મિસબાહે છેલ્લી ઓવરના બીજા બોલ પર યોગિન્દર શર્માને સિક્સર ફટકારીને ભારત પર પ્રેશર બમણું કર્યું. પરંતુ પછીના બોલમાં મિસ્બાહે શોર્ટ ફાઈન લેગ પર શ્રીસંતને આસાન કેચ આપ્યો હતો. આ વિકેટ સાથે ભારતે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
3. વર્ષ 2012, કોલંબો
2007 વર્લ્ડ કપ પછી સીધા જ 2012 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન સામસામે હતા. ભારત આ મેચ એકતરફી જીતવામાં સફળ રહ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારત માટે ચમકનાર લક્ષ્મીપતિ બાલાજીએ માત્ર 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પછી રવિચંદ્રન અશ્વિન અને યુવરાજ સિંહે પણ શાનદાર બોલિંગ કરી અને બે-બે વિકેટ લીધી. આ ટાર્ગેટનો પીછો કરતા વિરાટ કોહલીની 61 બોલમાં 78 રનની અણનમ ઇનિંગે ભારતને શાનદાર જીત અપાવી હતી. તેમજ ભારતે 18 બોલ બાકી રહેતા આઠ વિકેટે જીત મેળવી હતી..
4. વર્ષ 2014, ઢાકા
2012માં પાકિસ્તાનને જબરદસ્ત હાર આપ્યા બાદ ભારતે 2014ની ગ્રુપ સ્ટેજની મેચમાં પણ એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની ટીમને માત્ર 130 રન સુધી સીમિત કરવામાં સફળ રહી હતી. આ મેચમાં ભારત તરફથી શાનદાર બોલિંગ કરનાર અમિત મિશ્રાએ ચાર ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરતા વિરાટ કોહલી અને સુરેશ રૈના અનુક્રમે 36 અને 35 રન સાથે અણનમ રહ્યા હતા અને ટીમને જીત તરફ લઈ ગયા હતા. આ બંને પહેલા ઓપનર તરીકે મેદાનમાં આવેલા શિખર ધવન અને રોહિત શર્માએ 30 અને 24 રનનું મહત્વનુ યોગદાન આપ્યું હતું. ભારતે સાત વિકેટે મેચ જીતી લીધી હતી.
5. વર્ષ 2016, કોલકાતા
કોલકાતામાં આયોજિત 2016ની આવૃત્તિની મેચ વરસાદને કારણે બંધ થઈ ગઈ હતી. આથી મોડેથી શરૂ થવાને કારણે મેચ 18 ઓવર સુધી મર્યાદિત રાખવામાં આવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ભારતની ચુસ્ત બોલિંગ સામે રન બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું. આમ આખરે પાકિસ્તાનની ટીમ 5 વિકેટે 118 રન જ બનાવી શકી હતી. આ પછી ટાર્ગેટનો પીછો કરતા ભારતે પણ પોતાની બે વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. પરંતુ આ મેચમાં ફરીએકવાર ચમકેલા વિરાટ કોહલીએ માત્ર 37 બોલમાં 55 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને છ વિકેટે જીત અપાવી હતી.
6. વર્ષ 2021, દુબઈ
પરંતુ 2021માં દુબઈમાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હાર આપી હતી. બાબરની ટીમે ભારતને 10 વિકેટે પરાજય આપ્યો હતો. ભારતીય ટીમ આ પહેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું ન હતું. દુબઈમાં આ ગ્રુપ સ્ટેજની મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીના એટેક સામે માત્ર 151 રન જ બનાવી શકી હતી. ભારત માટે તત્કાલિન કેપ્ટન કોહલીએ અડધી સદી ફટકારી હતી તો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે 39 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને બાબર અને રિઝવાનની અણનમ રમતના કારણે 10 વિકેટે જીત મેળવી હતી.