IPL 2024 : સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર્સની તોફાની બેટિંગને કારણ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને 10 વિકેટથી હાર મળી છે. આ મેચમાં લખનૌએ હૈદરાબાદને જીતવા માટે 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની મજબૂત ઇનિંગ્સની મદદથી આ લક્ષ્યનો સરળતાથી પાર કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 75 રન અને હેડે 89 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓએ પોતાની તોફાની બેટિંગથી 10 ઓવરમાં જ લક્ષ્યનો પીછો કર્યો હતો. હૈદરાબાદની જીતની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2024માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સે પણ પોઈન્ટ ટેબલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવા પામી છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2024માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમે વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 12 મેચ રમી છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર ચાર મેચ જીતી શકી છે. ટીમને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈના 8 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. ટીમનો નેટ રન રેટ માઈનસ 0.212 છે. મુંબઈ ઈન્ડિયન્સની બે મેચ બાકી છે. જે તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવાની છે. જો મુંબઈની ટીમ આ મેચો જીતી જાય તો પણ તેના માત્ર 12 પોઈન્ટ જ રહેશે.
પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ, કેકેઆર અને સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલાથી જ 12થી વધુ પોઈન્ટ ધરાવે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના 12-12 પોઈન્ટ છે. ત્યારબાદ આ બંને વચ્ચે 14મી મેના રોજ મેચ રમાશે. જેના કારણે ટીમના 14 પોઈન્ટ થવાના છે. જ્યારે મુંબઈ મહત્તમ 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે. આ રીતે, પ્લેઓફની રેસ હવે તેના માટે સમાપ્ત થઈ ગઈ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ નંબર વન પર છે. ટીમના 11 મેચમાં 16 પોઈન્ટ છે. KKRનો નેટ રન રેટ પ્લસ 1.453 છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ટીમ બીજા સ્થાને છે. ટીમે 11 મેચ રમી છે, જેમાંથી તેણે 8માં જીત મેળવી છે. તેના પણ 16 પોઈન્ટ છે. પરંતુ રાજસ્થાનનો નેટ રન નેટ કેકેઆર કરતા ઓછો છે. રાજસ્થાન રોયલ્સનો નેટ રન રેટ પ્લસ 0.476 છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે જીત નોંધાવતાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં એક સ્થાન હારી ગઈ છે. વર્તમાન આઈપીએલમાં ચેન્નાઈએ 11 મેચ રમી છે, જેમાંથી તેણે 6માં જીત મેળવી છે. ટીમના 12 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 0.700 છે. સનરાઈઝર્સ હૈદરાબાદની જીત બાદ ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે.