IPL 2023 દરમિયાન Sourav Ganguly ની અચાનક વધારી સુરક્ષા, દાદા હવે ‘Z’ કેટેગરીના સુરક્ષા ઘેરામાં રહેશે
IPL 2023 દરમિયાન સૌરવ ગાંગુલીને લઈ સમાચાર આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા ગાંગુલીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગાંગુલી હાલમાં આઈપીએલમાં વ્યસ્ત છે અને તેમની ટીમનુ પ્રદર્શન સિઝનમાં કંગાળ જોવા મળી રહ્યુ છે.
IPL 2023 માં વ્યસ્ત સૌરવ ગાંગુલીને લઈ સમાચાર સામે આવ્યા છે. ગાંગુલીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગાંગુલીને હવે Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે જોડાયેલ સૌરવ ગાંગુલીની ટીમ બુધવારે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ સામે ટકરાવા જઈ રહી છે. આ પહેલા ગાંગુલીની સુરક્ષાને લઈ સમાચાર સામે આવ્યા છે. BCCI ના પૂર્વ અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની અચાનક જ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને આ માટે કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવી શક્યુ નથી.
ભારતીય ક્રિકેટરોને અને ક્રિકેટ બોર્ડના હોદ્દાઓ પર રહેલા પદાધીકારીઓ અને ટીમના કેપ્ટનને સામાન્ય રીતે સુરક્ષાના જોખમને લઈ સુરક્ષા ઘેરો પુરો પાડવામાં આવતો હોય છે. હાલમાં ગાંગુલી મોટા કોઈ પદ પર નહીં હોવા દરમિયાન હવે તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે ઝેડ કેટેગરીની સુરક્ષા મળતા તેની આસપાસ સુરક્ષા જવાનોનો મોટો કાફલો જોવા મળશે.
‘Z’ કેટેગરીની મળશે સુરક્ષા
સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટમાં મહત્વનો ખેલાડી રહી ચૂક્યો છે. ગાંગુલીને એક રીતે કહી શકાય કે યુગ રહ્યો હતો, તેણે ભારતીય ક્રિકેટ ટીમની ઉંચાઈઓ માં મહત્વનુ યોગદાન આપ્યુ છે. BCCI ના પ્રમુખ રહી ચૂકેલા ગાંગલીએ ભારતીય ક્રિકેટને પણ મહત્વનુ યોગદાન બોર્ડના અધ્યક્ષ તરીકે રહેતા આપ્યુ હતુ. આ દરમિયાન હવે સૌરવ ગાંગુલીની સુરક્ષામાં અચાનક વધારો કરી દેવામાં આવ્યો છે.
ગાંગુલીને ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા ફાળવામાં આવી છે. આ પહેલા Y કેટેગરીની સુરક્ષા મળી રહી હતી. જેમાં તેની પાસે સુરક્ષા જવાનની સંખ્યા ઓછી હતી. પરંતુ હવે પાયલટ અને એસ્કોર્ટ સુરક્ષા કારનો કાફલો ગાંગુલીના માટે રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે. આમ ગાંગુલી ફરતે મોટા પ્રમાણમાં સુરક્ષા જવાનોનો કાફલો ઘેરાયેલો રહેશે. બંગાળ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંગુલીને કોઈ ખતરો છે કે કેમ એ અંગે હાલમાં કોઈ જ સ્પષ્ટતા સામે આવી નથી. જોકે બંગાળ સરકારે ગાંગુલીને સ્વંભૂ રીતે જ સુરક્ષા વ્યવસ્થા વધારવાનો નિર્ણય કર્યો છે. આ પાછળના કારણ હાલમાં જણાવવામાં આવ્યા નથી.
રાજકીય રીતે સુરક્ષા વધી?
એક ચર્ચા એ પણ શરુ થઈ છે કે, ગાંગુલીની સુરક્ષા વ્યવસ્થા રાજકીય સમીકરણની તરફ ઈશારો કરી રહી છે. પશ્ચિમ બંગાળ સરકારે અચાનક જ સૌરવ ગાંગુલીની સુરક્ષા વ્યવસ્થામાં સ્વંયભૂ રીતે વધારી દેતા હવે મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજકીય સમીકરણને જોવામાં આવી રહ્યા છે. જોકે આ માટે હજુ કઈ પણ પ્રકારના નિવેદન સામે આવે ત્યારે જ આ આકરી સુરક્ષા વ્યવસ્થા ફાળવવાના નિર્ણયને લઈ સ્પષ્ટતા સમજાઈ શકે એમ છે.