IPL 2026 : RCB વેચવાની જાહેરાત, ટીમને 5 મહિનામાં મળશે નવો માલિક
ગયા સિઝનમાં પોતાનું પહેલું IPL ટાઈટલ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે નવા માલિકને શોધવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ સોદા અંગે ચર્ચા ચાલી રહી છે અને કેટલાક મોટા બિઝનેસ હાઉસે પણ રસ દાખવ્યો છે.

વર્તમાન IPL અને ભૂતપૂર્વ WPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઈઝ વેચાણ માટે તૈયાર છે. RCB ના વર્તમાન માલિક ફ્રેન્ચાઈઝ છોડી રહ્યા છે અને તેના વેચાણની જાહેરાત કરી છે. એક અહેવાલમાં ખુલાસો થયો છે કે IPL ની શરૂઆતની આઠ ફ્રેન્ચાઈઝીઓમાંથી એક, RCB માટે વેચાણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આગામી IPL સિઝન પહેલા પૂર્ણ થવાની અપેક્ષા છે. આનો અર્થ એ છે કે વર્તમાન ફ્રેન્ચાઈ માલિક માર્ચ 2026 પહેલા એક નવો માલિક શોધવાની આશા રાખે છે, જે IPL અને WPL માં ફ્રેન્ચાઈઝી ચલાવશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વેચાણના સમાચાર
IPLની પહેલી સિઝનથી સક્રિય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વેચાણની અફવાઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફેલાઈ રહી છે, જેમાં કેટલાક મોટા ઉદ્યોગપતિઓએ રસ દાખવ્યો છે. જ્યારે તે સમયે આ ફક્ત અટકળો હતી, ત્યારે ફ્રેન્ચાઈઝના વર્તમાન માલિક, ડિયાજિયોએ હવે આ સોદાની જાહેરાત કરી છે. એક અહેવાલમાં જણાવાયું છે કે ડિયાજિયોએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ને લખેલા પત્રમાં માહિતી આપી હતી કે તેની પેટાકંપની, યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL) એ ફ્રેન્ચાઈઝીની વ્યૂહાત્મક સમીક્ષા શરૂ કરી છે.
IPL 2026 પહેલા નવો માલિક મળી શકે
IPL અને WPL માં RCB ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (RCSPL) દ્વારા સંચાલિત છે, જે USL ની માલિકીની છે. USL પોતે બ્રિટિશ કંપની Diageo ની ભારતીય પેટાકંપની છે. Diageo એ BSE ને માહિતી આપી હતી કે USL એ RCSPL માં તેના રોકાણની સમીક્ષા શરૂ કરી છે અને 31 માર્ચ, 2026 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે. Diageo દ્વારા આ ખુલાસો સ્પષ્ટપણે દર્શાવે છે કે ફ્રેન્ચાઈઝી 2026 WPL અથવા 2026 IPL સિઝન પહેલા નવો માલિક શોધી શકે છે.
2008માં $111.6 મિલિયનમાં ખરીદી ટીમ
2008માં જ્યારે BCCIએ IPL શરૂ કરવાની જાહેરાત કરી ત્યારે આઠ શહેરોમાં ફ્રેન્ચાઈઝી માટે બોલી લગાવવામાં આવી હતી. ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેંગલુરુ બોલી જીતી હતી. તેમણે ફ્રેન્ચાઈઝી $111.6 મિલિયનમાં ખરીદી હતી, જે તે સમયે આશરે ₹600-700 કરોડ હતી. માલ્યા તે સમયે યુનાઈટેડ સ્પિરિટ્સનો માલિક હતો. જોકે, 2013માં, ડિયાજિયોએ યુએસએલમાં સૌથી મોટો હિસ્સો હસ્તગત કર્યો હતો, અને 2014માં, ડિયાજિયોએ 54 ટકાથી વધુ શેરહોલ્ડિંગ સાથે સંપૂર્ણ માલિકી મેળવી હતી. ત્યારથી, તેણે ફ્રેન્ચાઈઝીના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
RCB એ WPL અને IPL ટ્રોફી જીતી
RCB એ 2024 માં WPL ટાઈટલ સાથે તેની પહેલી ટ્રોફી જીતી હતી, અને પછી, 18મી સિઝનમાં, 2025 માં પહેલીવાર IPL જીતી હતી. RCB IPL ચેમ્પિયન બન્યાના થોડા અઠવાડિયા પછી, લીગ શરૂ કરનાર વ્યક્તિ લલિત મોદીએ એક ચોંકાવનારો દાવો કર્યો હતો કે ફ્રેન્ચાઈઝી વેચાઈ રહી છે અને તેની કિંમત $2 બિલિયન થી $2.5 બિલિયન અથવા ₹17,000 કરોડથી વધુ હોઈ શકે છે.
ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે તૈયાર છે આ કંપનીઓ
દરમિયાન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના સીઈઓ અદાર પૂનાવાલા પણ અગ્રણી હતા, તેમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે RCB યોગ્ય કિંમતે સારી ટીમ હશે. પૂનાવાલા ઉપરાંત, JSW સ્પોર્ટ્સ સહિત અન્ય ઘણા દાવેદારોએ પણ તાજેતરમાં ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે આગળ આવ્યા છે.
આ પણ વાંચો: PM મોદી વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને મળ્યા, ટીમ ઈન્ડિયાએ પ્રધાનમંત્રીને આપી ખાસ ભેટ, જુઓ ફોટા
