RCB vs KKR IPL Match Result: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 3 વિકેટે રોમાંચક વિજય, દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલે ટીમને જીત સુધી પહોંચાડી
Royal Challengers Bangalore vs Kolkata Knight Riders IPL Match Result: બુધવારની મેચ બેટ્સમેનોની નહી પરંતુ બોલર્સ વચ્ચેની રહી હતી. બંને ટીમના બોલરો એક બીજા પર હાવી રહીને મેચને રોમાંચક બનાવી દીધી હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને કોલકાતા નાઈટ રાઈડર્સ Royal Challengers Bangaloreવચ્ચેની મુંબઈ ના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ટોસ હારીને મેદાને બેટીંગ કરવા ઉતરેલી કેકેઆરની ટીમ વાનિન્દુ હસારંગા અને આકાશદીપ સામે પત્તાના મહેલની માફક 128 રનમાં ધરાશાયી થઈ ગઈ હતી. આસાન લક્ષ્યના જવાબમાં આરસીબીની શરુઆત ખરાબ રહી હતી. હર્ષલ પટેલ અને દિનેશ કાર્તિકે (Dinesh Karthik) આરસીબીને રોમાંચક મેચમાં જીત અપાવી હતી.
129 રનના આસાન લક્ષ્યાંક સામે મેદાને ઉતરેલી બેંગ્લોરની ટીમની શરુઆત પણ ખરાબ રહી હતી. ઓપનર અનુજ રાવત (0), કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (5) અને વિરાટ કોહલી (12) ની વિકેટ માત્ર 17 રનના સ્કોરમાં જ પેવેલિયન પરત ફરી ચુકી હતી. ઉમેશ યાદવે સળંગ બે બોલમાં કેપ્ટન ડુ પ્લેસિસ અને કોહલીની વિકેટ ઝડપીને આરસીબીની ટીમમાં સોપો પાડી દીધો હતો. એકસમયે કોલકાતા મેચમાં પરત આવ્યાનો માહોલ છવાઈ ગયો હતો. ડેવિડ વીલે એ 18 રન નોંધાવ્યા હતા.
દિનેશ-હર્ષલ તારણહાર
પરંતુ ત્યાર બાદ રદરફોર્ડ અને શાહબાઝ અહેમદે ઈનીંગને સંભાળી હતી. જોકે અહેમદ 20 બોલમાં 27 રન કરીને આઉટ થયો હતો, તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રદરફોર્ડ પણ 28 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. વાનિન્દુ હસારંગા એ માત્ર 4 રનનુ યોગદાન આપ્યુ હતુ. દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલ ટીમના માટે અંતમાં તારણહાર બન્યા હતા. બંનેએ આરસીબીને રોમાંચક રીતે જીત સુધી પહોંચાડતી રમત રમી હતી. કાર્તિકે અણનમ 14 રન અને હર્ષલે 10 રન કર્યા હતા. આમ બેંગ્લોરનો 3 વિકેટે વિજય થયો હતો.
સાઉથીએ 3 વિકેટ ઝડપી
ટીમ સાઉથી બેટમાં ભલે નિષ્ફળ રહ્યો હોય પરંતુ, બોલીંગમાં તેણે મેચને એકતરફી બનતી અટકાવી દઈ અંત સુધી કોલકાતાને પણ મેચમાં બનાવી રાખવાની મહત્વીન ભૂમિકા નિભાવી હતી. ઉમેશ યાદવે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે સુનિલ નરેન અને વરુણ ચક્રવર્તીએ એક એક વિકેટ મેળવી હતી. આંદ્રે રસેલ ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 2.2 ઓવરમાં 36 રન ગુમાવ્યા હતા.
કોલકાતાની ઈનીંગ
કોલકાતાના ઓપનર બેટ્સમેન વેંક્ટેશ અય્યર (10) ની વિકેટ 14 રનના સ્કોર પર જ તેણે ઝડપી હતી. જોકે ત્યાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યર (13) અને અજિંક્ય રહાણે (9) એ ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંનેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પહેલા રહાણે એ 32 ના સ્કોર પર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ આવેલ નિતીશ રાણા (10) પણ ઝડપથી પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન શ્રેયસ પણ રાણા બાદ તુરત જ પેવેલિયન તરફ ચાલતો થયો હતો. સુનિલ નરેન (12), સેમ બિલીંગ્સ (14), શેલ્ડન જેક્સન (0), ટીમ સાઉથી (1) પણ ખાસ કરી શક્યા નહોતા. આમ 18.5 ઓવરમાં જ 128 રનના સ્કોર પર ટીમ ઓલઆઉટ થઇ ગઈ હતી.