Ranji Trophy: ચેતન સાકરીયાએ ફાઈનલ મેચમાં સુદીપકુમારની ઉડાવી ગીલ્લીઓ, શૂન્ય રને કર્યો ક્લીન બોલ્ડ, જુઓ Video
Ranji Trophy final, Bengal Vs Saurashtra: રણજી ટ્રોફી ફાઈનલ મેચમાં ચેતન સાકરીયાએ બંગાળની ટીમના ત્રણ મહત્વ ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા.
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી છે. સૌરાષ્ટ્રે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાની યોજના અમલમાં મુકી હતી. બંગાળની ટીમની પ્રથમ ઈનીંગ માત્ર 174 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. IPL માં ખૂબ છવાયેલા ચેતન સાકરીયાએ બંગાળને તેના જ ઘરના આંગણે જયદેવ ઉનડકટ સાથે મળીને પ્રથમ ઈનીંગમા ઘૂંટણીયે લાવી દીધુ હતુ. ફાઈનલ મેચના પ્રથમ દિવસની રમતની શરુઆતે જ ચેતન સાકરીયા અને સૌરાષ્ટ્ર ટીમના સુકાની જયદેવ ઉનડકટે ધમાલ મચાવી દીધી હતી. બંનેએ 3-3 વિકેટ ઝડપી હતી.
આ દરમિયાન ચેતન સાકરીયાએ બંગાળને શરુઆતમાં જ એક બાદ એક ઝટકા આપ્યા હતા. સૌરાષ્ટ્ર સામે બંગાળની ટીમની શરુઆત આ સાથે જ ખરાબ થઈ ગઈ હતી. પ્રથમ દિવસે ઝડપથી બંગાળની ઈનીંગ સમેટાઈ ગઈ હતી. ત્યાર બાદ સૌરાષ્ટ્રે પ્રથમ ઈનીંગમાં દિવસની રમતના અંત સુધીમાં 2 ગુમાવીને 81 રન નોંધાવ્યા હતા.
સાકરીયાએ ઉડાવી ગીલ્લી, Video વાયરલ
સૌરાષ્ટ્રની ટીમની સાકરીયા-ઉનડકટની જોડીએ બંગાળની હાલત મુશ્કેલ કરી દીધી હતી. બંગાળે પ્રથમ ત્રણ વિકેટ માત્ર 2 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. પ્રથમ વિકેટ ઉનડકટે ઈનીંગની પ્રથમ ઓવરમાં જ અભિમન્યૂ ઈશ્વરનની ઝડપી હતી. ત્યાર બાદ સાકરીયા મેચની પ્રથમ ઈનીગની બીજી અને પોતાની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં સાકરીયાએ બીજા અને ચોથા બોલે એમ બે વિકેટ ઝડપી હતી. પહેલા સુમંતા ગુપ્તાને શેલ્ડન જેક્શનના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ત્યાર બાદ ચોથા બોલ પર સાકરીયાએ સુદીપ કુમાર ઘરામીની બેલ્સ ઉડાવી દીધી હતી.
— Rahul Chauhan (@ImRahulCSK11) February 16, 2023
બીજી ઓવરનો ચોથો બોલનો સામનો કરવા સ્ટ્રાઈક પર સુદીપ કુમાર ઘરામી તૈયાર હતો. સાકરીયાએ તેને ઓફ સ્ટંપ લઈનનો શોર્ટ ઓફ લેન્થ બોલ ડિલિવર કર્યો હતો. સુદીપ કુમારે બહારની તરફનો બોલ માનીને રમવાનુ ટાળતા બેટને હવામાં જ સ્થિર રાખવા પ્રયાસ કર્યો હતો. જોકે બોલ પડીને બહાર નહીં પરંતુ અંદરની તરફ આવ્યો અને સ્ટંપ અને બેલ્સ ઉડાવી ગયો. સુદીપ કુમાર પહેલા બોલને જોતો રહી ગયો હતો અને હવે સ્ટંપની સ્થિતી જોઈ રહ્યો હતો. જે તેના માટે જાણે કે સમજ બહાર જ રહ્યુ કે, સ્ટંપ ઉડ્યા કેવી રીતે.