પાકિસ્તાની ખેલાડીને ઉમરાન મલિકની ઈર્ષા થઈ આવી, કહ્યુ-આવા તો અમારા ત્યાં ઢગલો છે
જમ્મુનો ઉમરાન મલિક હાલમાં તેના બોલની ગતિથી બેટરોને પિચ પર નચાવે છે. તેની ઝડપ સામે બેટરોને ફફડાટ વ્યાપી જાય છે અને તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે.
જમ્મુ એક્સ્પ્રેસથી ઓળખાતા ઉમરાન મલિક હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં ધમાલ મચાવી રહ્યો છે. 25 વર્ષીય ઉમરાન 150 કીલોમીટર પ્રતિ કલાકની ગતિએ બોલિંગ કરી રહ્યો છે. તેના ઝડપી બોલનો સામનો કરવો એ મુશ્કેલ છે. આઈપીએલમાં પણ તેણે ઝડપ વડે તરખાટ મચાવ્યો હતો. હવે પાકિસ્તાનમાં આ ઝડપી બોલિંગની ઈર્ષા થઈ આવી રહી છે. પાકિસ્તાની ઝડપી બોલર સોહેલ ખાને ભારતીય ઝડપી બોલર માટે ઈર્ષા આવી રહી હોય એવી વાત કહી છે.
પાકિસ્તાનમાં ભારતીય બોલરોની ઈર્ષા થઈ આવી હોય તેવા પ્રથમ વાર નથી. આ અગાઉ પણ કેટલીક વાર પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા ભારતીય બોલરો પર ઈર્ષા દાખવવામાં આવી છે. મૂળ વડોદરા ના એવા ઈરફાન પઠાણ માટે, આ જ પ્રકારે ઈર્ષા ભર્યા નિવેદન જાવેદ મિયાદાદે જે તે સમયે કર્યા હતા
તેના જેવા ઘણા છે-સોહેલ
પાકિસ્તાનના ઝડપી બોલર સોહેલ દ્વારા ઉમરાન માલિકને લઈને નિવેદન કરવામાં આવ્યું છે તેણે નાદીર અલી સાથે પર વાત કરવા દરમિયાન આ નિવેદન કર્યું હતું તેણે કહ્યું હતું કે, “મને લાગે છે કે ઉમરાન મલિક સારો બોલર છે. મેં તેની 1-2 મેચ જોઈ છે. તે ઝડપથી દોડે છે અને અન્ય બાબતોનું પણ ધ્યાન રાખે છે. પરંતુ જ્યારે તમે એવા ફાસ્ટ બોલર્સ વિશે વિચારો છો જેમની સ્પીડ 150-155 kmph કરતાં વધુ છે. અત્યારે હું 12-15 બોલરોના નામ આપી શકું છું જેઓ ટેપ બોલ ક્રિકેટ રમે છે. જો તમે લાહોર કલંદર્સના ટ્રાયલ્સ પર નજર નાખો તો તમને આવા ઘણા બોલરો જોવા મળશે”.
તેણે કહ્યું, “તેના (ઉમરાન મલિક) જેવા ઘણા છે. ડોમેસ્ટિક ક્રિકેટ ભરેલુ પડ્યુ છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં જ્યારે કોઈ બોલર આપણી સામે આવે છે ત્યારે તે એક બોનાફાઈડ બોલર બની જાય છે. જેમ કે શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ. આ એવા બોલરો છે જે પોતાના વિશે જાણે છે. હું તમને ઘણા નામોની યાદી આપી શકું છું”.
શોએબના વિક્રમ પર નજર
હવે શોએબ અખ્તરનો વિક્રમ ઉમરાન મલિક તોડે તેની રાહ જોવાઈ રહી છે. અખ્તરે 161.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખ્યો હતો, જે રેકોર્ડ હવે ઉમરાન મલિક પોતાના નામે કરવા ઈચ્છશે. સોહેલે આ અંગે કહ્યું, “માત્ર એક જ વસ્તુ છે જે શોએબ અખ્તરના રેકોર્ડને તોડી શકે છે અને તે છે બોલિંગ મશીન કારણ કે કોઈ માનવી તે કરી શકતો નથી. તેનું કારણ એ છે કે શોએબે જે મહેનત કરી છે તે કોઈએ કરી નથી. તે પગમાં વજન બાંધીને પહાડો પર દોડતો હતો”.