યુવરાજ સિંહને નહીં, આ સ્ટાર બેટ્સમેનને ફોલો કરે છે ‘અભિષેક શર્મા’; નામ જાણીને તમે પણ ચોંકી જશો
ભારતીય ઓપનર અભિષેક શર્માએ જણાવ્યું છે કે, કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના પ્રોત્સાહન બાદ તે ભારતના દિગ્ગજ બેટ્સમેનને ફોલો કરે છે. નોંધનીય છે કે, અભિષેકે આ વખતે યુવરાજ સિંહનું નામ લીધું નથી.

ભારતના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ જણાવ્યું છે કે, કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના પ્રોત્સાહન બાદ તે હવે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની જેમ T20 આંતરરાષ્ટ્રીય પાવરપ્લેમાં વધુ આક્રમક રીતે રમવાની સ્ટાઈલ અપનાવી રહ્યો છે.
સ્ટ્રાઈક રેટ લગભગ 200 ની નજીક
અભિષેકે જુલાઈ 2024માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પોતાની આક્રમક બેટિંગના જોરે બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્યાર સુધી રમાયેલી 34 મેચમાં તેણે 02 સદી અને 07 અડધી સદીની મદદથી કુલ 1199 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 190.92 રહ્યો છે.
અભિષેકે રોહિતના પ્રભાવ વિશે વાત કરતા જણાવ્યું કે, “રોહિત ભાઈએ દેશ માટે ઘણું બધું કર્યું છે. પાવરપ્લેમાં તેઓ જે પ્રકારની શરૂઆત અપાવતા હતા, તેનાથી પ્રતિસ્પર્ધી ટીમ પર હંમેશા દબાણ રહેતું હતું.”
રોહિત ભાઈના પગલે ચાલી રહ્યો છું: અભિષેક શર્મા
અભિષેકે વધુમાં ઉમેર્યું કે, “ખાસ વાત એ છે કે, જ્યારે હું ટીમમાં આવ્યો ત્યારે કોચ અને કેપ્ટન મારી પાસે આ જ અપેક્ષા રાખતા હતા. મને લાગે છે કે, આ મારી બેટિંગ શૈલીને અનુરૂપ પણ છે, કારણ કે મને શરૂઆતથી જ આક્રમક રીતે રમવાનો શોખ છે. હું રોહિત ભાઈના પગલે ચાલી રહ્યો છું અને મને આ રીતે રમવાનો તેમજ ભારત માટે સારું પ્રદર્શન કરવાનો આનંદ છે.”
અભિષેકે કહ્યું કે, તેને બેટિંગમાં ચોક્કસપણે સુધારાની જરૂર છે પરંતુ તે તેના રોલને લઈને સ્પષ્ટ છે. તેણે એમ પણ કહ્યું કે, “હું સંપૂર્ણપણે પરિપક્વ (Mature) થઈ ગયો છું તેવું નથી પરંતુ મને લાગે છે કે, મારી ભૂમિકા પ્રથમ 6 ઓવરમાં આક્રમક ક્રિકેટ રમવાની છે.”
વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને શું કહ્યું?
વર્લ્ડ કપ વિશે વાત કરતા અભિષેકે જણાવ્યું કે, “જો મારે આક્રમક ક્રિકેટ રમવું હોય, તો મારે ખાસ રીતે પ્રેક્ટિસ કરવી પડશે. જો કે, હું મેચ પહેલા પ્રેક્ટિસ જ કરું છું. વધુમાં, જ્યારે મને એક અઠવાડિયા કે દસ દિવસનો સમય મળે છે, ત્યારે હું એ બાબત ધ્યાનમાં રાખું છું કે, આગામી મેચમાં મારે કેવા પ્રકારના બોલરોનો સામનો કરવાનો છે.”
