મુરલી વિજયે લાઈવ મેચમાં ફેન્સને માર્યો, લોકો લઈ રહ્યા હતા દિનેશ કાર્તિકનું નામ, જુઓ વીડિયો
મુરલી વિજય (Murali Vijay) બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે ફેન્સે દિનેશ કાર્તિકના નામે નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. મુરલી વિજયે પહેલા તો શાંતિ જાળવી રાખી.
તમિલનાડુ પ્રીમિયર લીગ 2022ની (Tamil Nadu Premier League) 27 અને 29 જુલાઈના રોજ પહેલી અને બીજી ક્વોલિફાયર મેચ રમાશે. નેલ્લઈ રોયલ કિંગ્સ સામે ક્વોલિફાયર 1 માં ચેપક સુપર જાઈલ્સનો સામનો કરશે. ક્વોલિફાયર એક હારી ગયેલી ટીમ ક્વોલિફાયર 2માં લાઈકા કોવાઈ કિંગ્સનો સામનો કરશે, જેણે એલિમિનેટરમાં મદુરાઈ પેન્થર્સને હરાવ્યું હતું. પેન્થર્સે તેની છેલ્લી ગ્રુપ મેચમાં રૂબી ત્રિચી વોરિયર્સને 36 રનથી હરાવ્યું હતું. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુરલી વિજય (Murali Vijay) બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે ફેન્સે દિનેશ કાર્તિકના નામે નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. મુરલી વિજયે પહેલા તો શાંતિ જાળવી રાખી.
બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો મુરલી વિજય
137 રનના ટાર્ગેટના જવાબમાં વોરિયર્સની ટીમ 100 રનમાં સમેટાઈ ગઈ હતી. વોરિયર્સ માટે તે ખૂબ જ નિરાશાજનક સિઝન હતી. 7 મેચમાં વોરિયર્સ માત્ર 2 જ મેચ જીતી શકી હતી. આ હાર સિવાય વોરિયર્સની ટીમના એક ખેલાડીની ફેન્સ સાથે હાથાપાઈના મામલામાં ચર્ચામાં બની રહી હતી. મુરલી વિજય પેન્થર્સ સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન હતો, પરંતુ તે અવેજી ફિલ્ડર તરીકે મેદાન પર આવ્યો હતો. મુરલી વિજય મેચ દરમિયાન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, જ્યાં ફેન્સે તેને દિનેશ કાર્તિકનું નામ લઈને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.
પહેલા શાંત રહ્યો અને હાથાપાઈ થઈ
તે થોડો સમય શાંત રહ્યો અને ફેન્સને આવું ન કરવા કહ્યું, પરંતુ થોડા સમય પછી તે પોતાને શાંત ન રાખી શક્યો અને સ્ટેન્ડમાં ઘુસીને ફેન્સ સાથે હાથાપાઈ કરી. આ ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ લડાઈ લાંબો સમય ન ચાલી અને દર્શકો મુરલી વિજય અને એક ફેન્સને અલગ કરવા આગળ આવ્યા. મુરલી વિજયે લગભગ 21 મહિના બાદ મેદાન પર વાપસી કરી છે. તે પ્રાઈવેટ બ્રેક પર હતો. મુરલી વિજય સિઝનની શરૂઆત અપેક્ષા મુજબ તો કરી શક્યો ન હતો, પરંતુ તે ટૂંક સમયમાં લયમાં આવી ગયો અને તેણે 4 મેચમાં 56ની એવરેજથી 224 રન બનાવ્યા. તેણે નેલ્લાઇ રોયલ કિંગ્સ સામે 121 રનની ઈનિંગ રમી હતી.