MS Dhoni, IPL 2023: ધોનીએ ચેન્નાઈથી લીધી ‘વિદાય’? દિલ્હીમાં થશે પરત ફરવાનો નિર્ણય! જાણો CSKનુ પ્લેઓફ સમીકરણ
MS Dhoni, IPL 2023: રવિવારે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સે ઘર આંગણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સિઝનમાં અંતિમ મેચ રમી હતી. ત્યાર બાદ હવે લીગ તબક્કાની એક જ મેચ રમવાની બાકી રહી છે.

IPL 2023 ની સિઝનમાં હવે કેટલીક ટીમ માટે અંતિમ મેચ રમવાની બાકી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પણ પોતાની અંતિમ મેચ હવે આગામી શનિવારે દિલ્હીમાં રમશે. ચેન્નાઈ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ ટક્કર થનારી છે. આ સાથે જ ચેન્નાઈની ટીમ સિઝનમાં અંતિમ મેચ રમશે કે પ્લેઓફમાં રમશે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોકે એ વાત સ્પષ્ટ છે કે, ચેન્નાઈની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર સિઝનની અંતિમ લીગ મેચ રમી હતી. ચેન્નાઈની ટીમે હાર સાથે ઘર આંગણેથી પોતાની વિદાય લીધી હતી. આ સાથે જ હવે ધોનીની ટીમની ચેન્નાઈથી વિદાયની ચર્ચા શરુ થઈ હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ સિઝનમાં CSK પ્લેઓફ મેચમાં સ્થાન મેળવે તો જ રમવાનો મોકો મળશે.
કોલકાતા સામેની હાર સાથે ચેન્નાઈના ચાહકો માટે ખતરો વધી ગયો છે. ચેન્નાઈની ટીમ પર હવે પ્લેઓફમાંથી બહાર થવાનો ખતરો મંડરાઈ ગયો છે. ચેન્નાઈ પાસે હાલમાં 15 અંક છે. જો રવિવારે કોલકાતા સામમે જીત મેળવી હોત તો, પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત બની ગયુ હોત. પરંતુ હવે અંતિમ લીગ મેચ સુધી પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને રહેલી ટીમ ચેન્નાઈએ રાહ જોવી પડશે. એટલે કે આગામી શનિવાર સુધી રાહ જોવી પડશે.
ધોનીની ટીમ ચેન્નાઈ પહોંચશે?
પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને રહેલી CSK ના ચાહકોને રવિવારે ટેન્શન વધી ગયુ. ટીમના માટે પ્લેઓફમાં પહોંચવા માટે હજુ વધુ રાહ જોવી પડશે. એટલે કે આગામી શનિવાર સુધી. જોકે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ હવે ધોની સેના માટે જીતવી જરુરી બની ગઈ છે. જો દિલ્હી આ મેચમાં પોતાના ઘર આંગણે ઉલટફેર સર્જે તો ચેન્નાઈ માટે મુશ્કેલી સર્જાઈ જાય. સાથે જ ચેન્નાઈના ચાહકોના સપનાઓ પર પાણી ફરી વળે. જોકે અન્ય ટીમોના પરિણામ પર પણ ચેન્નાઈએ નિર્ભર રહેવુ પડશે.
દિલ્હીની જીત મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સને માટે રસ્તો સરળ બની શકે છે. હાલમાં આ ત્રણેય ટીમોએ સિઝનમાં પોતાની 2-2 મેચ રમવાની બાકી છે. આવી સ્થિતીમાં 4-4 અંક મેળવવાનો આ ત્રણેય ટીમ પાસે મોકો છે. મુંબઈ પાસે હાલમાં 14, બેંગ્લોર પાસે 12 અને લખનૌ પાસે 13 પોઈન્ટ્સ છે. આમ મુંબઈને એક જીત, લખનૌને 2 જીત અથવા મોટા અંતરની એક જીત અને બેંગ્લોરને 2 જીત પ્લેઓફમાં પહોંચાડી શકે છે. તો વળી બીજી તરફ ધોની સેનાનો ખેલ ખતમ થઈ શકે છે.