‘આ શરમજનક બાબત છે’- રાહુલ વિવાદમાં LSG માલિક પર થયો ગુસ્સે સ્ટાર ભારતીય ખેલાડી
માત્ર 9.4 ઓવરમાં 167 રન આપીને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને મેદાનની વચ્ચે ટીમના માલિક સંજીવ ગોએન્કાએ ઠપકો આપ્યો હતો. આ બધું કેમેરામાં રેકોર્ડ થયું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જે બાદ સંજીવ ગોએન્કાની લોકો ટીકા કરી રહ્યા છે, તો બીજી તરફ રાહુલને સમર્થન પણ મળી રહ્યું છે. આ મામલે ભારતના સ્ટાર ફાસ્ટ બોલર પણ તીખી પ્રતિક્રિયા આપી છે.
IPL 2024 સિઝન ધીમે- ધીમે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. અગાઉની સિઝનથી વિપરીત, આ વખતે ટુર્નામેન્ટમાં કોઈ મોટો વિવાદ જોવા મળ્યો નથી. અમ્પાયરોના નિર્ણયો પર ચોક્કસપણે નાના-નાના વિવાદો હતા પરંતુ કોઈ મોટો ડ્રામા જોવા મળ્યો ન હતો. લખનૌ સુપર જાયન્ટ્સની હાર બાદ આખરે એવું પણ થયું જ્યારે ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોએન્કાએ ટીમના કેપ્ટન કેએલ રાહુલને ખુલ્લેઆમ ફટકાર લગાવી. ત્યારથી ગોએન્કા બધાના નિશાના પર છે અને હવે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી મોહમ્મદ શમીએ પણ તેની આકરી ટીકા કરી છે.
હૈદરાબાદ સામે લખનૌની કારમી હાર
લખનૌના એકાના સ્ટેડિયમમાં બુધવારે આઠમી મેના રોજ રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે સુપર જાયન્ટ્સને ખરાબ રીતે હરાવ્યું હતું. લખનૌએ આ મેચમાં માત્ર 165 રન બનાવ્યા હતા, જેમાં ખુદ કેપ્ટન રાહુલની ધીમી ઈનિંગ્સ જવાબદાર હતી. તેણે 33 બોલમાં માત્ર 29 રન બનાવ્યા હતા. આ પછી હૈદરાબાદે આ લક્ષ્ય માત્ર 9.4 ઓવરમાં હાંસલ કરીને સનસનાટી મચાવી દીધી હતી.
શમીએ ગોએન્કાની ઉગ્ર ઝાટકણી કાઢી
આ કારમી હાર બાદ જે દ્રશ્ય જોવા મળ્યું તેણે સૌને ચોંકાવી દીધા. લખનૌના માલિક સંજીવ ગોએન્કાએ કેપ્ટન રાહુલ સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. તેઓ રાહુલને ઠપકો આપતા હતા અને જ્યારે તે કંઈક બોલતો ત્યારે તેને અટકાવતો હતો. આ વીડિયો વાઈરલ થયા બાદ રાહુલને જ્યાં બધાનું સમર્થન મળી રહ્યું છે, ત્યારે બધા ગોએન્કાને ઠપકો આપી રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયામાં રાહુલના સાથી ખેલાડી અને અનુભવી બોલર મોહમ્મદ શમીએ પણ લખનૌના માલિકની ઉગ્ર ઝાટકણી કાઢી છે.
ખેલાડીઓનું પણ પોતાનું સન્માન હોય છે
ક્રિકબઝ શોમાં ચર્ચા માટે હાજર રહેલા મોહમ્મદ શમીએ આ મુદ્દા પર બોલતા કહ્યું કે ખેલાડીઓનું પણ પોતાનું સન્માન હોય છે અને ટીમના માલિક હોવાને કારણે ગોએન્કા પણ એક આદરણીય વ્યક્તિત્વ છે અને ઘણા લોકો તેને જોઈને શીખે છે. આ પછી શમીએ સ્પષ્ટ કહ્યું કે જો આવી ઘટનાઓ ટીવી કેમેરા સામે બની રહી છે તો તે ખૂબ જ શરમજનક બાબત છે. શમીએ સીધા સ્વરમાં કહ્યું કે હોટલ અથવા ડ્રેસિંગ રૂમમાં પણ આવી પરિસ્થિતિઓનો સામનો કરી શકાય છે.
આવી ઘટનાઓથી ખોટો સંદેશ જાય છે
ઈજાના કારણે IPLની આ સિઝનમાં નહીં રમી શકનાર ગુજરાત ટાઈટન્સના અનુભવી ફાસ્ટ બોલરે રાહુલનો બચાવ કરતાં કહ્યું કે ક્રિકેટ એ ટીમ ગેમ છે અને જો કોઈ દિવસ ટીમ તેની ગેમ પ્લાનને યોગ્ય રીતે અમલમાં ન લાવી શકે તો તે મોટી વાત નથી. કારણ કે રમતમાં કંઈપણ થઈ શકે છે. તેણે ફરી એકવાર ખેલાડીઓના સન્માનની વાત કરી અને સ્પષ્ટ કર્યું કે આવી ઘટનાઓથી ખોટો સંદેશ જાય છે.
આગામી મેચ દિલ્હી અને મુંબઈ સામે
લખનૌ સુપર જાયન્ટ્સે આ સિઝનની સારી શરૂઆત કરી હતી અને ટીમ પ્લેઓફની રેસમાં ઘણી આગળ દેખાઈ રહી હતી પરંતુ હવે તેને સતત 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના ખાતામાં હજુ પણ 12 પોઈન્ટ છે અને તેમને 2 મેચ રમવાની છે, જેના કારણે પ્લેઓફની શક્યતા હજુ પણ છે. ટીમની આગામી મેચ 14મી મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે છે અને છેલ્લી મેચ 17મી મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે છે.
આ પણ વાંચો : તે દિવસ દૂર નથી જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સને જોવા કોઈ નહીં જાય, જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન