RCB વિકટ્રી પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ મામલે KSCAના સેક્રેટરી અને ટ્રેઝરરે રાજીનામું આપ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિકટ્રી પરેડ દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનાની નૈતિક જવાબદારી લેતા KSCAના સેક્રેટરી અને ટ્રેઝરરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. RCBની વિકટ્રી પરેડ દરમિયાન થયેલી ભાગદોડ કેસમાં KSCA સેક્રેટરી એ. શંકર અને ટ્રેઝરર ઈ. જયરામે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે ઘણા ઘાયલ થયા. બંનેએ ના પ્રમુખને રાજીનામું સુપરત કર્યું છે.
ભાગદોડમાં 11 લોકો મૃત્યુ પામ્યા
RCB એ 3 જૂને પંજાબ કિંગ્સને હરાવીને પહેલીવાર IPL ટ્રોફી જીતી હતી. આ જીત બાદ સમગ્ર બેંગલુરુ માં ઉત્સવનો માહોલ હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4 જૂને, જ્યારે આખી ટીમ અમદાવાદથી ટ્રોફી લઈને પરત ફરી, ત્યારે બેંગલુરુ ના રસ્તાઓ પર ચાહકોની ભારે ભીડ હતી. ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી, જ્યાં પહેલાથી જ ઘણી ભીડ હતી. આ દરમિયાન, ભાગદોડ મચી ગઈ અને તેમાં 11 લોકો મૃત્યુ પામ્યા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
KSCA અધિકારીઓએ નિવેદન બહાર પાડ્યું
KSCA સેક્રેટરી એ. શંકર અને ટ્રેઝરર ઈ. જયરામે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે તેમણે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રઘુરામ ભટને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. તેમણે કહ્યું કે બેંગલુરુમાં બનેલી દુ:ખદ ઘટના બાદ, અમે KSCA સેક્રેટરી અને ટ્રેઝરરના અમારા સંબંધિત પદો પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, આ મામલે અમારી ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી. પોલીસે આ કેસમાં RCB માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની DNAના સુનિલ મેથ્યુની પણ ધરપકડ કરવામાં આવી છે.
હાઈકોર્ટમાં અરજી દાખલ
અગાઉ, KSCAના પ્રમુખ રઘુરામ ભટ, સેક્રેટરી એ. શંકર અને ટ્રેઝરર ઈ. જયરામે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે ભીડને નિયંત્રિત કરવાની તેમની જવાબદારી નથી. તેમણે વિધાનસભામાં RCBની જીત પર ઉજવણીનું આયોજન કરવાની પરવાનગી માંગી હતી.
વિકટ્રી પરેડ રદ્દ કરવી પડી
વિધાનસભામાં સન્માન સમારોહ કોઈ મોટી ખલેલ વિના પૂર્ણ થયો, પરંતુ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર અનિચ્છનીય ઘટના બની, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સોશિયલ મીડિયા આમંત્રણ પછી લાખો ચાહકો એકઠા થયા હતા. આ કારણે, વિકટ્રી પરેડ રદ્દ કરવી પડી, પરંતુ સ્ટેડિયમની અંદર સમારોહ ચાલુ રહ્યો. આ દરમિયાન, સ્ટેડિયમની બહાર આટલો મોટો અકસ્માત થયો.
આ પણ વાંચો: IND vs ENG : ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડની ‘હેટ્રિક’, ટેસ્ટ શ્રેણી પહેલા તબાહી મચાવી