Ind vs Eng Test: જે કામ સચિન, કોહલી અને ગાવસ્કર ન કરી શક્યા તે કામ કેએલ રાહુલે કરી બતાવ્યું, લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
કેએલ રાહુલે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પોતાની શાનદાર બેટિંગ ચાલુ રાખીને ઇતિહાસ રચ્યો છે. ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં સદી ફટકાર્યા બાદ રાહુલે હવે લોર્ડ્સમાં પણ સદી ફટકારી છે. આ સદી ફટકારતા જ રાહુલે પોતાના નામે અનોખી સિદ્ધિ નોંધાવી છે.

કેએલ રાહુલે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પોતાની શાનદાર બેટિંગ ચાલુ રાખીને ઇતિહાસ રચ્યો છે. ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં સદી ફટકાર્યા બાદ રાહુલે હવે લોર્ડ્સમાં પણ સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાના ઓપનરે લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે પોતાની 9મી ટેસ્ટ સદી પૂરી કરી. આ સાથે જ રાહુલે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે.
કયો રેકોર્ડ પોતાના નામે કર્યો?
રાહુલ આ ઐતિહાસિક મેદાન પર એકથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતનો બીજો બેટ્સમેન બન્યો છે. રાહુલે 12 જુલાઈ એટલે કે, શનિવારના રોજ લોર્ડ્સ ખાતે રમાયેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની પહેલી ઇનિંગ્સ દરમિયાન આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી હતી.
બીજા દિવસે અડધી સદી ફટકાર્યા બાદ 53 રન બનાવીને અણનમ પરત ફરેલા રાહુલે બીજા દિવસે આક્રમક શૈલી બતાવી અને બાઉન્ડ્રી વસૂલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ દરમિયાન રાહુલે બ્રાયડન કાર્સની એક ઓવરમાં સતત 3 ચોગ્ગા પણ ફટકાર્યા. રાહુલે પંત સાથે મળીને ટીમ ઈન્ડિયાનો સ્કોર 250 રનને પાર પહોંચાડ્યો હતો.
સદી પૂરી કરવા માટે રાહ જોવી પડી
લંચ પહેલા છેલ્લી ઓવરમાં રાહુલ 98 રને રમતો હતો ત્યારે રન લેવાની બાબતમાં તેની અને ઋષભ પંત વચ્ચે ગેરસમજ થઈ ગઈ હતી. આ ગેરસમજના કારણે પંત રનઆઉટ થઈ ગયો હતો. પરિણામે રાહુલને સદી પૂરી કરવા માટે વધુ રાહ જોવી પડી.
બીજું સત્ર શરૂ થતાં જ રાહુલે એક રન લીધો અને તેની ટેસ્ટ કારકિર્દીની 9મી સદી પૂરી કરી. ખાસ વાત એ છે કે, લોર્ડ્સના મેદાન પર આ તેની સતત બીજી સદી હતી. વર્ષ 2021માં પણ તેણે અહીં સદી ફટકારી હતી.
એકથી વધુ સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન
રાહુલ સદી ફટકાર્યા પછી લાંબો સમય ટકી શક્યો નહોતો અને તરત જ શોએબ બશીરના બોલ પર આઉટ થઈ ગયો હતો. તેણે 177 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 100 રન બનાવ્યા. રાહુલ ભલે પોતાની સદીને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યો ન હોય પરંતુ તેણે આ ઇનિંગ્સ થકી ઇતિહાસ રચી કાઢ્યો. રાહુલ લોર્ડ્સના મેદાન પર એકથી વધુ સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.
લોર્ડ્સમાં કયો દિગ્ગજ બેટ્સમેન ટોપ પર યથાવત?
પહેલા ‘કર્નલ’ તરીકે પ્રખ્યાત દિગ્ગજ બેટ્સમેન દિલિપ વેંગસારકરે આ મેદાન પર 3 સદી ફટકારી હતી. રાહુલની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા મહાન ભારતીય બેટ્સમેન આ મેદાન પર એક પણ સદી ફટકારી શક્યા નથી.

