IPL Media Rights: ટીવી પર એક આઇપીએલ મેચ બતાવવા માટે 49 કરોડ રુપિયા ખર્ચવા પડશે, જાણો મીડિયા રાઈટ્સની મોટી વાતો
IPL Media Rights: ઈન્ડિયન પ્રીમિયર લીગને ક્રિકેટ વિશ્વનો સૌથી મોટો મેળો માનવામાં આવે છે. સ્વાભાવિક જ આ લીગ સૌથી મોંઘી હોય અને એટલે જ અહીં દરેક સિઝનમાં ધન વર્ષમાં વધારો જ થતો રહે છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની સિઝન સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ આ લીગના સમાપન બાદ પણ મોટુ અપડેટ સામે આવ્યુ છે. કારણ કે આઇપીએલની આગામી સિઝનની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન હવે આઇપીએલ મીડિયા રાઈટ્સ માટે હરાજી (IPL Media Rights) યોજાનાર છે. આ આગામી સિઝન 2023 થી 2028 માટે હરાજી યોજાનાર છે. એવા અહેવાલો છે કે આ મીડિયા અધિકારોની બોલી 50 થી 60 હજાર કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. એ પણ જણાવી દઈએ કે આઈપીએલ મીડિયા રાઈડ માટે પહેલાથી જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને પાંચ કંપનીઓ તેના માટે સ્પર્ધા કરી રહી છે. આ વખતે BCCI નું ખિસ્સુ ખૂબ જ ગરમ થવાનુ છે.
છેલ્લી વખત જ્યારે હરાજી થઈ ત્યારે બીસીસીઆઈને કેટલા પૈસા મળ્યા? શું તમે આ વિશે જાણો છો. જો નહીં, તો અમે કહીશું. છેલ્લી વખત જ્યારે 2018 થી 2022 ના કાર્યકાળ માટે મીડિયા અધિકારોની હરાજી કરવામાં આવી હતી, ત્યારે પણ BCCI ના ખિસ્સા ખૂબ જ ગરમ થયા હતા. બીસીસીઆઈને આ હરાજીમાંથી 16300 કરોડ મળ્યા. પરંતુ આ વખતે ભારતીય બોર્ડની તિજોરીમાં અનેક ઘણા વધુ પૈસા આવવાના છે.
હરાજીની મોટી વાતો
- મીડિયા અહેવાલ મુજબ, આ હરાજી ચાર પેકેજ માટે યોજાશે. જેમાં સામેલ છે- ભારતીય ઉપખંડના ટીવી, ભારતીય ઉપખંડના ડિજિટલ પ્લેટફોર્મ, ભારતીય ડિજિટલ માટે વિશેષ પેકેજો અને શેષ વિશ્વ.
- બીસીસીઆઈ આ હરાજી માટે વર્ચ્યુઅલ વર્કશોપ અને મોક ઓક્શનનું આયોજન કરી રહી છે જેથી મીડિયા રાઈટ્સ મેળવવાની રેસમાં રહેલી કંપનીઓ આ પ્રક્રિયાથી વાકેફ થઈ શકે.
- ટીવી અધિકારોની હરાજી રૂ. 49 કરોડથી શરૂ થશે. તે જ સમયે, ડિજિટલ અધિકારો માટે આ હરાજી 33 કરોડથી શરૂ થશે. એકવાર બિડ મૂક્યા પછી, આગામી બિડિંગ માટે 30 મિનિટ સુધીનો સમય આપવામાં આવશે.
- હરાજી કરનારાઓએ તેમના આંકડા પ્રતિ-મેચના આધારે આપવાના રહેશે અને સિઝન દીઠ અથવા પાંચ સિઝનના આધારે નહીં.
10 ટીમોની IPL
IPL-2022 માં 10 ટીમોએ ભાગ લીધો હતો અને આગામી સિઝન પણ આ જ હશે. આવી સ્થિતિમાં IPLની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થવો સ્વાભાવિક છે. 10 ટીમોના આગમનથી તેમાં ઉત્સાહ વધવાની ધારણા હતી પરંતુ આટલી બધી ટીમો સાથેની પ્રથમ સિઝન કંઈ ખાસ ન હતી. તેની ટીઆરપીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. BCCI સામે પણ પડકાર રહેશે કે આગામી સિઝનમાં IPL ની TRP વધારવી. હવે જોવાનું એ રહેશે કે આ હરાજીમાં કઈ કંપનીનું ખિસ્સા ખાલી છે અને BCCI ના ખિસ્સામાં કેટલા પૈસા આવે છે.