T20 વર્લ્ડ કપ જીતવા છતાં રોહિત શર્માને નહીં મળે કેપ્ટન્સી, મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય!
ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો, પરંતુ તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સ તેને કેપ્ટનશિપ નહીં આપે. એવું કહેવામાં આવી રહ્યું છે કે IPL 2025માં પણ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હશે.
હાલમાં જ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. આ મોટી ઉપલબ્ધિ હોવા છતાં રોહિત શર્માના ફેન્સને એક એવા સમાચાર મળ્યા છે જે કદાચ તેમના માટે આંચકાથી ઓછા નહીં હોય. હકીકતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝનમાં પણ રોહિત શર્માને કેપ્ટન નહીં બનાવવાનો નિર્ણય લીધો છે.
હાર્દિક પંડ્યાના હાથમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની
આગામી સિઝનમાં પણ કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાના હાથમાં હશે. હાર્દિક પંડ્યાને ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સોંપવામાં આવી હતી અને ટીમ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. રોહિતને સુકાની પદ પરથી હટાવ્યા બાદ હાર્દિક પંડ્યાને દેશના દરેક સ્ટેડિયમમાં બૂમાબૂમનો સામનો કરવો પડ્યો હતો.
શું રોહિત શર્મા બીજી કોઈ ટીમમાં જશે?
હવે એવા સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહેશે, તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં રહેશે? અથવા રોહિત શર્મા અન્ય ટીમમાં જશે. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે જો રોહિત શર્મા હરાજીમાં આવે છે તો લખનૌ સુપરજાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ તેના પર 50 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. જો કે, લખનૌના માલિક સંજીવ ગોએન્કાએ આ સમાચારને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા.
કઈ ટીમોને કેપ્ટનની જરૂર છે?
IPLમાં ઘણી એવી ટીમો છે જેને કેપ્ટનની સખત જરૂર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી કેપિટલ્સ તેના કેપ્ટન બદલી શકે છે. પંજાબ કિંગ્સ પણ નવા કેપ્ટનની શોધમાં છે. લખનૌએ પણ કેએલ રાહુલને કેપ્ટન બનાવવા અંગે સ્પષ્ટપણે કહ્યું નથી, તેથી શક્ય છે કે લખનૌ પણ નવા કેપ્ટનની શોધમાં હોય. RCB આગામી સિઝનમાં ફાફ ડુ પ્લેસિસને કેપ્ટનશિપ આપશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો: શું વિરાટ કોહલી બાબર આઝમની મદદ કરશે? પાકિસ્તાની ટીમમાંથી બહાર ફેંકાઈ જવાનો ખતરો!