LSG vs KKR, IPL 2022: લખનૌએ ડીકોકની અડધી સદીની મદદથી 176 રનનો સ્કોર ખડક્યો, શિવમ માવીને ઓવરમાં 5 છગ્ગા
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા ફીલ્ડીંગ પસંદ કરી હતી, દીપક હુડાએ પણ આક્રમક અંદાજમાં રમત દર્શાવી હતી.
IPL 2022 ની 53મી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Lucknow Super Giants vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ રહી છે. કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ લખનૌની ટીમ ટોસ હારીને પહેલા બેટીંગ કરવા માટે ઉતરી હતી. કેએલ રાહુલ (KL Rahul) ડાયમંડ ડક વિકેટ ગુમાવી બેઠો હતો. આમ લખનૌની શરુઆત નિરાશ કરનારી રહી હતી, પરંતુ ડીકોક (Quinton de Kock) અને હુડાની આક્રમક રમતે ટીમને સન્માનજનક સ્કોર તરફ આગળ વધારી હતી. 20 ઓવરના અંતે લખનૌએ 4 વિકેટ 150 રન કર્યા હતા.
ઓપનીંગ જોડી તરીકે ક્વિન્ટન ડીકોક અને કેએલ રાહુલ ક્રિઝ પર ઉતર્યા હતા. જોકે બંનેની જોડી પ્રથમ ઓવરમાં જ તૂટી ગઈ હતી. બંને વચ્ચે અયોગ્ય તાલમેલને લઈને રન આઉટ વિકેટ કેએલ રાહુલના રુપમાં ગુમાવી હતી. રાહુલ એક પણ બોલ રમ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યરે રાહુલને ડાયેક્ટ થ્રો કરીને આઉટ કર્યો હતો.
જોકે બાદમાં ક્વિન્ટ ડીકોકે જવાબદારી સ્વિકારી લઈને પાવર પ્લેમાં ધમાકેદાર રમત દર્શાવી હતી. તેણે 3 છગ્ગા ફટકારી દીધા હતા. 27 બોલમાં જ તેણે અડધી સદી ફટકારી દીધી હતી. તેણે આક્રમક અંદાજથી રમત રમીને કોલકાતાને મુશ્કેલીનો અહેસાસ કરાવી દીધો હતો. તેને દીપક હુડાએ પણ આવા જ અંદાજથી સાથ પુરાવ્યો હતો. દીપકે તેને સાથ પૂરાવતા 41 રનની ઈનીંગ રમી હતી. આ રન તેણે 27 બોલનો સામનો કરીને 2 છગ્ગા અને 4 ચોગ્ગા વડે નોંધાવ્યા હતા.
બાદમાં કૃણાલ પંડ્યાએ 27 બોલમાં 25 રનની ઈનીંગ રમી હતી. જોકે તે પણ આંદ્રે રસેલનો શિકાર થયો હતો. માર્કસ સ્ટોઈનીશે 14 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે 3 છગ્ગા જમાવ્યા હતા, જે તેણે શિવમ માવીની ઓવરમાં સળંગ ત્રણ ફટકાર્યા હતા. જેસન હોલ્ડરે 4 બોલમાં 13 રન કર્યા હતા, તેણે માવીની ઓવરમાં સળંગ 2 છગ્ગા ફટકાર્યા હતા.
શિવમ માવીએ ઓવરમાં 5 છગ્ગા
આંદ્રે રસેલે 3 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ટિમ સાઉથી, શિવમ માવી અને સુનિલ નરેને એક એક વિકેટ ઝડપી હતી. જોકે શિવમ માવીએ તેની અંતિમ ઓવરમાં 5 છગ્ગા સહન કર્યા હતા. તે 19મી ઓવર લઈને આવ્યો હતો અને તેની ઓવરમાં માર્ક્સ સ્ટોઈનીશે સળંગ 3 છગ્ગા જમાવ્યા હતા અને ચોથા બોલ પર તે આઉટ થયો હતો. બાદમાં પાંચમા અને છઠ્ઠા બોલ પર જેસન હોલ્ડરે સળંગ 2 છગ્ગા જમાવ્યા હતા.