IND vs AUS: નાગપુર અને દિલ્લીમાં અઢી-અઢી દિવસમાં ખેલ ખતમ કર્યો, હવે ટીમ ઈન્ડિયા 5 દિવસ રજાઓ મનાવશે
India vs Australia: Rohit Sharma ની આગેવાની ધરાવતી ભારતીય ટીમે 5 દિવસ માટે અભ્યાસથી દૂર રહેશે. ખેલાડીઓ પાંચ દિવસ રજાઓ મનાવશે.
બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ બંને ટેસ્ટ મેચ જીતી ભારતે 2-0 ની અજેય લીડ મેળવી છે. આ સાથે હવે ટ્રોફી ભારતના કબ્જામાં થઈ છે. દિલ્લી ટેસ્ટનુ પરીણામ પણ માત્ર અઢી દિવસમાં સામે આવ્યુ હતુ. જેને લઈ અઢી દિવસનો સમય બચ્યો હતો. પ્રથમ બંને ટેસ્ટમાં શાનદાર વિજય મેળવનાર ભારતીય ક્રિકેટ ટીમને હાલમાં રજાઓ માણવા માટે સમય આપવામાં આવ્યો છે. ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓ 5 દિવસની રજાઓ મનાવીને ફરીથી ટીમ સાથે જોડાઈ જશે.
રોહિત શર્મા અને ટીમ હવે ઈન્દોર ટેસ્ટ ભારતના નામે કરવા ઈચ્છશે. આ કરવા સાથે જ ભારતીય ટીમ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સ્થાન પાક્કુ કરી લેશે. સાથે જ ભારતને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયન ટીમને ક્લીન સ્વીપ કરવાનો મોકો મળશે.
ટીમ ઈન્ડિયા ઈન્દોરમાં એકઠી થશે
હાલમાં ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓને રજા આપવામાં આવી છે. ખેલાડીઓને હવે સીધા જ ઈંદોરમાં એકઠા થવા માટે કહેવામાં આવ્યુ છે. મીડિયા રીપોર્ટ્સનુસાર મોટાભાગના ખેલાડીઓ પોત પોતાના ઘરે પહોંચ્યા છે. જ્યારે સૂર્યકુમાર યાદવ આ દરમિયાન તિરુપતિ દર્શન કરવા માટે ગયો છે. ટેસ્ટ સિરીઝ વચ્ચે ખેલાડીઓ પાંચ દિવસ પરિવારને સમય આપશે. ત્યાર બાદ 25 ફેબ્રુઆરીએ ઈન્દોરમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ રીપોર્ટ કરશે.
આગામી મહિનાની શરુઆત સાથે ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ વ્યસ્તતા સાથે શરુ થનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોર ટેસ્ટની શરુઆત 1 માર્ચ થશે, જ્યારે સિરીઝની અંતિમ અને ચોથી ટેસ્ટ અમદાવાદમાં 9 ફેબ્રુઆરીથી થનારી છે. ટેસ્ટ સિરીઝ ખતમ થવા સાથે જ 3 મેચોની વનડે સિરીઝ બંને દેશોની ટીમ વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂર્ણ થવા સાથે જ આઈપીએલ શરુ થવાના દિવસો ગણાવા શરુ થશે.
પ્રથમ બંને ટેસ્ટમાં સફળ ટીમ યથાવત
બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની બાકી રહેલી બંને ટેસ્ટ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મુખ્ય પસંદગીકાર વિના જ સ્ક્વોડ પસંદ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ બંને ટેસ્ટ માટે સફળ ટીમને જાળવી રાખવામાં આવી હતી. આમ શરુઆત થી અંત સુધી સિરીઝમાં એક જ સ્ક્વોડ જોવા મળશે. જોકે ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન તરીકેની જવાબદારી હજુ સુધી કોઈને સોંપવામાં આવી નથી. ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અંગેનો નિર્ણય રોહિત શર્મા કરશે. આ પહેલા ભારતીય ટીમનુ સુકાન કેએલ રાહુલ સંભાળી રહ્યો હતો. જે બેટથી સતત નિષ્ફળ જોવા મળી રહ્યો છે.