IND vs NZ: રોહિત શર્માના બેટથી છેલ્લા ત્રણ વર્ષથી નથી નિકળી રહી સદી, કેપ્ટને જાતે જ બતાવ્યુ કારણ
વિરાટ કોહલી જેવા જ સવાલો હવે રોહિત શર્મા સામે થવા લાગ્યા, છેલ્લા ત્રણ વર્ષથી રોહિત શર્માના બેટથી એક પણ વનડે સદી સામે આવી નથી. છેલ્લે જાન્યુઆરી 2020માં સદી નોંધાવી હતી.
પહેલા કોહલી પર થઈ રહેલા સવાલો હવે રોહિત શર્મા પર એ જ સવાલો થઈ રહ્યા છે, જે પૂર્વ સુકાની પર થતા હતા. વિરાટ કોહલી તેના બેટથી સદી નિકાળી શકતો નહતો, પરંતુ છેલ્લા છ મહિનામાં તે ચાર સદી નિકાળી ચૂક્યો છે. હવે સવાલ રોહિત શર્મા સામે થઈ રહ્યા છે કે, તે છેલ્લા ત્રણ વર્ષથી એક પણ વનડે સદી નોંધાવી શક્યો નથી. વિરાટ હાલમાં પોતાના બેટ વડે રન નિકાળી રહ્યો છે. તે મોટી ઈનીંગ રમી રહ્યો છે. જોકે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના બેટથી મોટી ઈનીંગ જોવા મળી રહી નથી. રોહિત શર્માએ મેચ બાદ આ બાબતે સવાલ થતા જ પોતાની વાત કહી હતી.
ભારતે 8 વિકેટથી ન્યુઝીલેન્ડ સામે બીજી વનડે મેચમાં જીત મેળવી હતી. ભારતીય બોલિંગ આક્રમણ સામે ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 108 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ત્યાર બાદ ભારતીય સુકાની રોહિત શર્માએ અડધી સદી નોંધાવી આસાન લક્ષ્યને સરળતાથી જીતવા તરફ ટીમને આગળ વઘારી હતી. રોહિત શર્માએ ઓપનર તરીકે 51 રનનુ યોગદાન 50 બોલનો સામનો કરીને આપ્યુ હતુ. શુભમન ગિલ સાથે ઓપનીંગ જોડીના રુપમાં 72 રનની ભાગીદારી કરી હતી.
આ યોજનાને લઈ ઈનીંગ નાની રહે છે
ભારતીય સુકાની રોહિત શર્માની મોટી ઈનીંગને લઈ સવાલો થઈ રહ્યા છે. તે પોતાની ઈનીંગને કેમ મોટી કરી શકતો નથી. તે સારી શરુઆત કરે છે અને આમ છતાં તેની ઈનીંગ ટૂંકી રહી જાય છે. તેની સારી શરુઆત મોટી ઈનીંગ તરફ આગળ વધતી કેમ અટકી જાય છે. જોકે શુક્રવારે લક્ષ્ય નાનુ હતુ અને રોહિતે અડધી સદી નોંધાવી હતી. જોકે તે 51 રન નોંધાવી લેગબિફોર વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. રોહિતે પોતાની ઈનીંગ અટકી જવાને લઈ ચિંતા કરવાથી ઈન્કાર કરી દીધો હતો.
રોહિત શર્માએ મેચ બાદ કહ્યુ હતુ કે, હું હવે મારી રમતમાં થોડો ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, બોલરો સામે આક્રમક બનવાનો પ્રયાસ કરી રહ્યો છું અને મને લાગે છે કે બોલરો પર દબાણ લાવવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે. હું જાણું છું કે મોટા સ્કોર આવ્યા નથી, પરંતુ હું તેનાથી વધારે ચિંતિત નથી.
આશા દર્શાવી, જલદી મોટો સ્કોર ખડકશે
કેપ્ટન રોહિત શર્માએ આગળ કહ્યુ હતુ કે, “હું મારી બેટિંગથી ખુશ છું. મારી વિચારસરણી એકદમ સ્પષ્ટ છે. હું જે રીતે રમી રહ્યો છું તેનાથી હું ખુશ છું. હું જાણું છું કે ટૂંક સમયમાં મોટો સ્કોર થવાનો છે”.
હિટમેનના બેટથી વનડે કરિયરમાં ત્રણ બેવડી સદી અત્યાર સુધીમાં નોંધાઈ છે. આ ઉપરાંત તેના નામે 29 સદી નોંધાયેલી છે. પાછળના 3 વર્ષમાં તેના બેટથી કોઈ મોટી ઈનીંગ સામે આવી નથી. એટલે કે વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં રોહિતે અંતિમ સદી નોંધાવી હતી, ત્યારબાદથી ફરીથી સદીની રાહ જોવાઈ રહી છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં તેણે અંતિમ સદી સપ્ટેમ્બર 2021માં ઈંગ્લેન્ડમાં નોંધાવ્યુ હતુ.