ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 વિશ્વકપ 2022 ની સુપર 12ની મેચ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે ભારત સામે અંતિમ ઓવરમાં જીત મેળવી હતી. બંને ટીમોની પોતાની આ ત્રીજી મેચ હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકા પોતાની 2 મેચમાંથી એકમાં જીત મેળવી હતી અને એક મેચમાં એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ભારતે પ્રથમ બંને મેચ જીતી લીધી હતી. આમ બંને ટીમો માટે આજની મેચ મહત્વની હતી. ભારતની માફક દક્ષિણ આફ્રિકાની બેટીંગ ઈનીંગની શરુઆત ખરાબ રહી હતી.
ભારતીય યુવા સ્ટાર બોલર અર્શદીપ સિંહે શરુઆતમાં જ બીજી ઓવરમાં 2 વિકેટ ઝડપી લઈને મુશ્કેલી વધારી દીધી હતી. જોકે એઈડન માર્કરમે અડધી નોંધાવી મિલર સાથે ભાગીદારી રમત જમાવીને ભારતની મુશ્કેલી વધારી હતી. 134 રનના આસાન સ્કોર સામે દક્ષિણ આફ્રિકાએ અંતિમ ઓવર સુધી લડાઈ લડવી પડી હતી. ભારતીય બોલરોએ દક્ષિણ આફિકાના બેટરોને અંત સુધી લડત આપી હતી.
ભારતીય ટીમ માટે અર્શદીપ સિંહે ફરી એકવાર શાનદાર બોલીંગ આક્રમણની શરુઆત કરાવી હતી. તેણે પોતાની પ્રથમ અને દક્ષિણ આફ્રિકાની ઈનીંગની બીજી ઓવરના પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપતા હરીફ ટીમની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. અર્શદીપે ક્વિન્ટન ડીકોકને 1 જ રન પર પરત મોકલ્યો હતો. ત્યાર બાદ રાઈલી રુસોને પણ શૂન્યમાં પરત મોકલ્યો હતો. રોહિત શર્માએ દિનેશ કાર્તિકના કહેવા પર રિવ્યૂ લેતા આ સફળતા મળી હતી.
ડીકોકે 3 બોલનો સામનો કરીને 1 રન નોંધાવ્યો હતો. જ્યારે રુસો શૂન્ય પર પરત ફરતા 3 રનના સ્કોર પર જ આફ્રિકાએ 2 વિકેટ ગુમાવી દીધી હતી આમ ભારત માટે સારી શરુઆત અર્શદીપ સિંહે અપાવી હતી. શમીએ પણ સાથ પૂરાવ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમાની વિકેટ ઝડપી હતી. બાવુમાએ 15 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા. 24 રનના સ્કોર પર દક્ષિણ આફ્રિકાએ ત્રીજી વિકેટ ગુમાવી દેતા મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. આમ ભારત મેચ પર પોતાનો પ્રભાવ સર્જી દીધો હતો.
ભારત એક સમયે મેચમાં મજબૂત પકડ જમાવવા લાગ્યુ હતુ. પરંતુ એઈડન માર્કરમ અને ડેવિડ મિલરે ભારતની બાજી બગાડી દીધી હતી. બંનેએ ભાગીદારી રમત જમાવતા ભારત માટે સ્થિતી ફરી મુશ્કેલ બનવા લાગી હતી.. બંનેએ અડધી સદી નોંધાવી હતી મિલર અંત સુધી રહ્યો હતો અને તેણે 46 બોલનો સામનો કરી 59 રન નોંઘાવ્યા હતા. જ્યારે માર્કરમે 41 બોલમાં 52 રન નોંધાવ્યા હતા.
લુંગી એનગિડીની સામે ભારતીય ઈનીંગની શરુઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 133 રનનો સ્કોર નિર્ધારિત 20 ઓવરમાં નોંધાવ્યો હતો. સૂર્યાકુમાર યાદવે શાનદાર અડધી સદી નોંધાવી હતી. તેણે 40 બોલમાં 68 રન નોંધાવ્યા હતા.